
પાટણ, 10 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના દૂધારામપુરા ગામમાં લાંબા સમયથી ચાલતા દારૂના દૂષણને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામની મુલાકાતે આવેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સમક્ષ ગ્રામજનોએ દારૂબંધીનો કડક અમલ કરવા માટે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ગામમાં દેશી તથા વિદેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, જેના કારણે સામાજિક માળખું ખોરવાઈ રહ્યું છે. દારૂની લતના કારણે અનેક યુવાનોના અકાળે મોત થયા છે અને નાની ઉંમરની ઘણી બહેનો વિધવા બની હોવાની વ્યથા પણ ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.
વર્ષોથી આ સમસ્યા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા ગ્રામજનોએ ધારાસભ્યને મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી. તેમણે દૂધારામપુરા ગામમાંથી દેશી અને વિદેશી દારૂના તમામ અડ્ડાઓ કાયમી રીતે બંધ કરાવવાની માંગ કરી હતી.
ગ્રામજનોએ જણાવ્યું કે દારૂનું દૂષણ દૂર કરવાથી ગામના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત બનશે અને શાંતિ સ્થાપી શકાશે. આ માટે પોલીસ પ્રશાસન અને જવાબદાર તંત્રો દ્વારા કડક કાર્યવાહી કરાવવાની ખાતરી પણ ધારાસભ્ય પાસેથી માંગવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ