સુરતના પુણામાં કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટનાં બેઝમેન્ટનાં પુરાણની કામગીરી શરૂ
સુરત, 10 જાન્યુઆરી (હિ.સ.) : શહેરનાં વરાછા ઝોન વિસ્તારમાં આવેલ પુણા ખાતે બિલ્ડર દ્વારા મહાનગર પાલિકાની પરવાનગી વિના જ બેઝમેન્ટનું ખોદાણ શરૂ કર્યું હોવાનાં આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ગઈકાલે 200થી વધુ પરિવારો રસ્તા પર ઉ
સુરતના પુણામાં કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટનાં બેઝમેન્ટનાં પુરાણની કામગીરી શરૂ


સુરત, 10 જાન્યુઆરી (હિ.સ.) : શહેરનાં વરાછા ઝોન વિસ્તારમાં આવેલ પુણા ખાતે બિલ્ડર દ્વારા મહાનગર પાલિકાની પરવાનગી વિના જ બેઝમેન્ટનું ખોદાણ શરૂ કર્યું હોવાનાં આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ગઈકાલે 200થી વધુ પરિવારો રસ્તા પર ઉતરીને બિલ્ડર વિરૂદ્ધ રોષ ઠાલવતાં અંતે મહાનગર પાલિકાનાં અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. આજે સવારે વરાછા ઝોન દ્વારા યોગી હાઈટ્સની બાજુમાં નિર્માણાધીન કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટનાં બિલ્ડરને બેઝમેન્ટનું પુરાણ કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

પુણા ખાતે બિલ્ડર દર્શન સરાકડીયા દ્વારા છેલ્લા કેટલાક સમયથી કેલીકુંજ વેદિકા પ્રોજેક્ટનું બુકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી બિલ્ડર દ્વારા આ પ્રોજેક્ટમાં બેઝમેન્ટનું ખોદકામ કરતાં પાસે જ આવેલ યોગી હાઈટ્સનાં રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાલિકાની કોઈપણ પ્રકારની મંજુરી વિના જ બિલ્ડર દ્વારા આડેધડ બેઝમેન્ટનું ખોદાણ કરવામાં આવી રહ્યું હોવાનાં આક્ષેપ સાથે સ્થાનિકો દ્વારા ગત રોજ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. 200થી વધુ પરિવારોનાં માથે જોખમ ઉભું થતાં રહેવાસીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. જેને પગલે બિલ્ડર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર સાથે આક્રામક દેખાવ કરતાં પાલિકાનાં અધિકારીઓ પણ દોડતાં થઈ ગયા હતા. અલબત્ત, આજે સવારથી પાલિકાનાં આદેશને પગલે બિલ્ડર દ્વારા બેઝમેન્ટનાં પુરાણની કામગીરી હાથ ધરવામાં આવતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande