
અમરેલી, 10 જાન્યુઆરી (હિ.સ.) સાવરકુંડલા શહેરમાં પ્રસિદ્ધ રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે આજરોજ ધાર્મિક ભાવનાથી ભરપૂર વાતાવરણમાં પૂજન તથા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તથા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન મહાદેવનું અભિષેક, પૂજન-અર્ચન અને લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન કરાયો. યજ્ઞ દરમિયાન શાંતિ, સમૃદ્ધિ, સુખાકારી અને વિકાસ માટે પ્રાર્થના કરવામાં આવી. ધારાસભ્યશ્રીએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી વિસ્તારની સુખ-શાંતિ અને સર્વાંગી કલ્યાણ માટે ભગવાન મહાદેવના આશીર્વાદ માગ્યા.
આ ધાર્મિક કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. મંદિર પરિસર ભક્તિભાવ, ધૂપ-દીપ અને વેદમંત્રોના નાદથી ગુંજતું રહ્યું. શ્રદ્ધાળુઓએ પણ લઘુરુદ્ર યજ્ઞમાં ભાગ લઈ આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કર્યો.
કાર્યક્રમ અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું અને સૌએ મંદિર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો. આ પ્રકારના ધાર્મિક આયોજનો સમાજમાં એકતા, શાંતિ અને સકારાત્મક ઊર્જા ફેલાવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તેમ ઉપસ્થિતોએ જણાવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai