

ગાંધીનગર, 10 જાન્યુઆરી (હિ.સ.) : વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારીઓ–કર્મચારીઓ માટે બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક પરિસ્થિતિમાં પ્રતિભાવ આપવાની સજ્જતા અને સુરક્ષા કૌશલ્ય વધારવાના હેતુસર આયોજિત આ તાલીમ શિબિર વહીવટી કાર્યક્ષમતાની સાથે આપત્તિ વ્યવસ્થાપન તથા માનવીય સુરક્ષાને પ્રાધાન્ય આપતી દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ હતી.
આ તાલીમ શિબિરના પ્રથમ દિવસે તા. ૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ “અગ્નિ સુરક્ષા અને ફાયર સેફ્ટી” વિષયક વિશેષ તાલીમ યોજાઈ હતી. જેમાં ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસના નિયામક નલીનકુમાર ચૌધરી તથા તેમની ટીમના નિષ્ણાંતોએ તાલીમ આપી હતી. તાલીમ દરમિયાન સમજાવવામાં આવ્યું હતું કે, સરકારી ઈમારતો જેવી સંવેદનશીલ જગ્યાઓએ આગની ઘટનાઓ સમયે ગભરાટ ફેલાવવાને બદલે ધૈર્યથી કામ લેવું જોઈએ. આ ઉપરાંત નિષ્ણાંતો દ્વારા અગ્નિની વિવિધ પ્રકારોની જાણકારી, ઈલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ, કેમિકલ તથા ગેસથી આગ લાગવાની પરિસ્થિતિઓના ઉકેલ તેમજ યોગ્ય સમયસર અગ્નિશામક યંત્રો (Fire Extinguishers)નો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
ગુજરાત સ્ટેટ ફાયર એકેડેમી તથા ગાંધીનગર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ દ્વારા ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ અને વિવિધ અગ્નિશામક ઉપકરણોનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઈમારતમાં ધુમાડો ફેલાય ત્યારે શ્વાસ લેવાની તકનીકો અને સલામત રીતે બહાર નીકળવાના (Emergency Exit) રૂટના મહત્વ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ તાલીમનો મુખ્ય હેતુ સચિવાલયની સંપત્તિ અને માનવ સંસાધનને અગ્નિ અકસ્માતો સામે સુરક્ષિત કવચ પૂરું પાડવાનો હતો.
તાલીમ શિબિરના બીજા દિવસે તા. ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની GMERS સંસ્થાના તબીબી નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ “પ્રાથમિક સારવાર અને CPR તાલીમ” વિષયક તાલીમ યોજાઈ હતી. ગુજરાત વિધાનસભા સચિવાલયના મેડીકલ અધિકારી ડૉ. અનિલ ચૌહાણ દ્વારા કર્મચારીઓને ડમી મોડેલ પર હૃદયપુનર્જીવન(CPR) તકનીક તથા કૃત્રિમ શ્વસન આપવાની રીત વિષે માહિતી આપી હતી. તદુપરાંત રક્તસ્ત્રાવ રોકવા, હાડકાના ફ્રેક્ચર વખતે યોગ્ય ટેપિંગ અને ઈજાગ્રસ્ત વ્યક્તિને સલામત રીતે ખસેડવાની પદ્ધતિઓનું પણ પ્રાયોગિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક સારવાર એ માત્ર ડોક્ટર પહોંચે ત્યાં સુધીની રાહ જોયા વિના જીવન બચાવવાનો પ્રથમ સક્રિય પ્રયાસ છે. આ બે દિવસીય તાલીમથી સચિવાલયના અધિકારી અને કર્મચારીઓને આપત્તિ સમયે તાત્કાલિક પ્રતિભાવ આપવા માટેની કારગત સમજ અને વ્યવહારુ કૌશલ્યો પ્રાપ્ત થયા છે, જે વિધાનસભા સચિવાલયના કાર્યસ્થળને વધુ સુરક્ષિત બનાવવામાં સહાયરૂપ થશે.
વિધાનસભા સચિવ ચેતન પંડયા, સંસદીય તાલીમ બ્યૂરોના નિયામક રીટા મહેતા, તાલીમ બ્યૂરોના ઉપસચિવ નીરજ ગામિતના પ્રયાસોના પરિણામે આયોજિત આ બે દિવસીય તાલીમમાં વિધાનસભાના તમામ અધિકારીઓ - કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ