
જામનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત જામનગર શહેરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા કાશી વિશ્વનાથ મંદિરમાં ૭૨ કલાક સુધી અખંડ મંત્રોચ્ચારનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.8 જાન્યુઆરીથી મંદિરમાં સત્સંગ, ભજન, મહાઆરતી અને મંત્રોચ્ચાર સહિતના આયોજનો કરવામાં આવ્યા છે.
આ અનુષ્ઠાન દરમિયાન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સતત વેદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બન્યું છે. મંત્રોચ્ચાર સાથે સાથે દરરોજ સાંજે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉપસ્થિત રહી શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા છે. નમઃ શિવાય, ૐ નમઃ શિવાયની ધૂનથી સત્સંગ દરમિયાન સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું.
સત્સંગ કાર્યક્રમના આયોજનમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, અગ્રણી બીનાબેન કોઠારી, કોર્પોરેટરો સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહી સહભાગી થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt