આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ
- અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય ''આયુર્વિવેક મહોત્સવ’નું આયોજન ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે, જે માન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


આયુર્વિવેક મહોત્સવ


આયુર્વિવેક મહોત્સવ


- અડાલજ ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા ત્રિદિવસીય 'આયુર્વિવેક મહોત્સવ’નું આયોજન

ગાંધીનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું કે આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે, જે માનવને સ્વસ્થ, સંતુલિત અને આત્મનિર્ભર જીવન તરફ દોરી જાય છે.

અડાલજ સ્થિત દાદા નગર કન્વેશન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસ પીઠ દ્વારા આયોજિત 'આયુર્વિવેક મહોત્સવ’ માં રાજ્યપાલએ આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ ગણાવીને કહ્યું કે, ભારતીય ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે જે ઔષધિઓ અને સિદ્ધાંતો આપ્યા છે, તે આજની આધુનિક પ્રયોગશાળાઓમાં પણ સ્વીકાર્ય છે. આપણા ઋષિઓ સાચા અર્થમાં પ્રથમ ‘રિસર્ચ સ્કોલર’ હતા.

રાજ્યપાલએ આજની પેઢીમાં મોબાઇલની વધતી લત પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ લત આવનારી પેઢી માટે ગંભીર સમસ્યા બની રહી છે.

ગાય અને પંચગવ્યના મહત્વ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે, ગાયનું ઋગ્વેદમાં ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ગાયમાં પોતાના સંતાન પ્રત્યે માનવ માતા જેવું મમત્વ હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, દેશી ભારતીય ગાયના દૂધ, ગોમૂત્ર અને ગોબરમાં અદભૂત ગુણધર્મો છે અને ગોમૂત્ર અને ઘીમાં ઝેરને પણ શુદ્ધ કરવાની ક્ષમતા છે.

રાજ્યપાલએ જણાવ્યું કે, કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં ૪૫૦ ગાયો છે અને જાત સુધારાના પરિણામે કેટલીક ગાયો રોજે 40 લિટર દૂધ આપે છે.

પ્રાકૃતિક ખેતી વિષે બોલતાં રાજ્યપાલએ જણાવ્યું કે, તેમણે ગુરુકુલની ૨૦૦ એકર જમીન પર યુરિયા અને ડીએપીનો સંપૂર્ણ ત્યાગ કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી એક જેવી નથી; ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ, મહેનત વધુ લાગે છે અને ઘણી વખત અપેક્ષિત ઉત્પાદન આપતી નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીથી નહિવત ખર્ચે વધુ ઉત્પાદન આવે છે અને જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે.

તેમણે જણાવ્યું કે દેશી ગાયના ૧ ગ્રામ ગોબરમાં ૩૦૦થી ૫૦૦ કરોડ સૂક્ષ્મજીવો હોય છે, જેના દ્વારા ‘જીવામૃત’ તૈયાર થાય છે. જીવામૃત માટીની ઉપજાવ ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. રાસાયણિક ખેતીથી માટી પથ્થર જેવી કઠોર બની ગઈ છે, જે પાણી શોષી શકતી નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીથી માટી છિદ્રાળુ અને ફળદ્રુપ બને છે.

આરોગ્યના સંદર્ભમાં તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે પાણીમાં નાઇટ્રેટ અને માતાના દૂધમાં પણ યુરિયા તથા કેમિકલ્સ મળી રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે. તેનો એકમાત્ર ઉકેલ ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી છે.

તેમણે જણાવ્યું કે, ગાયનું ઘી સાપ અને મધમાખીના ઝેરને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સહાયક છે. સાથે જ તેમણે ‘સેક્સ સોર્ટેડ સીમેન’ ટેકનોલોજીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેના દ્વારા માત્ર વાછરડીઓ જન્મે છે અને દૂધ ઉત્પાદન પણ વધે છે.

રાજ્યપાલએ વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા અપીલ કરી, જેથી ભારત સ્વસ્થ, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બની શકે. તેમણે માટી અને ખેતીના પરિવર્તનને બિનઉપજાઉ જમીન અને જંગલના તફાવત સાથે સરખાવતા જણાવ્યું કે, જ્યાં રસાયણ માટીને નિર્જીવ બનાવે છે, ત્યાં ગૌ-આધારિત તત્વો તેને જંગલની જેમ જીવંત અને સ્વયંસ્ફૂર્ત બનાવે છે.

કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલ અને ગૌ વિશ્વ વિદ્યાપીઠના કુલગુરુ વૈદ્ય હિતેશ જાનીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આયુર્વેદ વ્યાસ પીઠના સ્થાપક અધ્યક્ષ વૈદ્ય વિનય વેલણકર, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્હાર જોશી, રાષ્ટ્રીય મહામંત્રી વૈદ્ય ધનંજય કુલકર્ણી, ડૉ. ફાલ્ગુન પટેલ સહિત દેશભરના આયુર્વેદાચાર્યો, વૈદ્યો અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande