

પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધ્યું છે. ઉત્તર-પૂર્વીય પવનોના કારણે સમગ્ર પંથકમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આજે સવારે પાટણનું લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાન હજી વધુ ઘટવાની અને ઠંડીની તીવ્રતા વધવાની શક્યતા છે.
વધતી ઠંડીને કારણે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. ઠંડીથી બચવા શહેરી વિસ્તારોમાં વહેલી સવારે અને મોડી રાત્રે લોકો લાકડા તથા છાણાં સળગાવી તાપણાં કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ, શિયાળાની મોસમ જામતા ગરમ વસાણાંના બજારમાં તેજી આવી છે. લોકો મેથીપાક, કચરિયું અને આદુપાક જેવી શક્તિવર્ધક વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. ખાનપાનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે, જેમાં બાજરીના રોટલા, સૂપ, તુવર તોઠા, ડુંગળીયું અને લીલી હળદરનું શાક વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની અસર વધુ તીવ્ર છે. ખેતીકામ અને રવિ પાકના વાવેતર સાથે જોડાયેલા ખેડૂતો ઠંડીના કારણે બપોર બાદ ખેતરે જવાનું ટાળી રહ્યા છે અને સાંજ પડતા જ ઘરે પરત ફરી રહ્યા છે. પરિણામે સાંજના સમયે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હોવાથી ગામોના મુખ્ય રસ્તાઓ વહેલી સાંજથી સુમસામ દેખાઈ રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ