વલસાડમાં પારડી પાસે હાઈવે પર ચાલતી કારમાં આગ, ચાલકની સમજદારીથી જાનહાનિ ટળી
વલસાડ, 11 જાન્યુઆરી (હિ.સ.): વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં બગવાડા ટોલનાકા નજીક નેશનલ હાઈવે નં. 48 પર શનિવારે સાંજના સમયે એક દોડતી સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. કારના બોનેટમાંથી ધુમાડો નીકળતા અને પિકઅપ ઘટતા ચાલક હેમંતભાઈ પટેલે પરિસ્થિતિ સમજી તા
Valsad


વલસાડ, 11 જાન્યુઆરી (હિ.સ.): વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં બગવાડા ટોલનાકા નજીક નેશનલ હાઈવે નં. 48 પર શનિવારે સાંજના સમયે એક દોડતી સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. કારના બોનેટમાંથી ધુમાડો નીકળતા અને પિકઅપ ઘટતા ચાલક હેમંતભાઈ પટેલે પરિસ્થિતિ સમજી તાત્કાલિક કાર હાઈવેની સાઈડમાં ઉભી રાખી દીધી હતી અને બહાર ઉતરી ગયા હતા. તેમની સમયસરની સતર્કતાને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી.

કારમાંથી બહાર નીકળ્યા બાદ થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા અને ફાયર એક્સટિંગ્વિશરથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પારડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જોકે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકના જણાવ્યા મુજબ, આ ઘટનામાં અંદાજે ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. ઘટનાના પગલે હેમંતભાઈએ અન્ય વાહનચાલકોને વાહનમાં જરૂરી સુરક્ષા સાધનો રાખવા તેમજ કોઈ પણ અસમાન્ય સ્થિતિ જણાય તો તરત જ વાહન રોકી સુરક્ષિત રીતે બહાર ઉતરવાની અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande