
સુરત, 11 જાન્યુઆરી (હિ.સ.): સુરતના લસકાણા વિસ્તારમાં આજે મકાનમાં રસોઈ દરમ્યાન ગેસ લીકેજ થતા અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા જ મકાનમાં રહેલા લોકોમાં ભય ફેલાયો અને થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને થોડા જ સમયમાં આગને કાબૂમાં લઈ લીધી.
પ્રાપ્ત વિગતો મુજબ, લસકાણા ગામમાં મહિન્દ્રા શો-રૂમ નજીક આવેલી જૂની જી.ઈ.બી. ઓફિસ પાસેના બે માળના મકાનમાં આ બનાવ બન્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી પુરવઠાની કામગીરી ચાલે છે, જ્યારે ઉપરના માળે કેટલાક લોકો રહે છે. આજે બીજા માળે એક રૂમમાં યુવાન ગેસ સિલિન્ડર પર રસોઈ કરી રહ્યો હતો, તે દરમિયાન ગેસ પાઈપમાંથી લીકેજ થતાં આગ લાગી ગઈ.
આગ લાગતાની સાથે મકાનમાં રહેલા લોકોએ હિંમત દાખવી ફાયર એક્સટિંગ્વિશર વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો. સમયસર કાર્યવાહી થવાથી નજીકના અન્ય ત્રણ રૂમને નુકસાન થતું અટકાવી શકાયું.
આ ઘટનામાં કપડાં, ગોદડા, ઘરવખરી, પંખા અને વાયરિંગ સહિતની ચીજવસ્તુઓ બળી જવાથી નુકસાન થયું છે. સદનસીબે, આ બનાવમાં કોઈને ઇજા કે જાનહાનિ થઈ નથી, તેમ ફાયર અધિકારીઓએ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે