
નવસારી, 11 જાન્યુઆરી (હિ.સ.): નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ફૂડ અને કાઈટ ફેસ્ટિવલ–2026નો ભવ્ય પ્રારંભ સાંઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે થયો. રંગબેરંગી પતંગો, વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ અને સંસ્કૃતિક માહોલ વચ્ચે શહેરમાં ઉત્સવની ઝળહળાટ જોવા મળી. આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી.આર. પાટિલ અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે મહાનગરપાલિકાની નવી વેબસાઇટ સાથે ‘નવસારી કનેક્ટ’ નામની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. આ એપ મારફતે નાગરિકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ, માહિતી અને સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે. સાથે જ, નવસારીના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસની યાત્રાને રજૂ કરતી વિશેષ કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરાયું.
સમારંભને સંબોધતા સી.આર. પાટિલે સ્વચ્છતા, વિકાસ અને જળસંચયને લોકોની ભાગીદારીથી આગળ વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સરકાર, વહીવટીતંત્ર અને નાગરિકોના સંયુક્ત પ્રયત્નોથી નવસારી જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હવે જીવનશૈલીનો અવિભાજ્ય હિસ્સો બની રહી હોવાનું તેમણે ઉમેર્યું.
સાંજના સત્રમાં લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારીની સંગીતમય રજૂઆત નગરજનો માટે વિશેષ આકર્ષણ બની. તેમના લોકગીતો પર બાળકો, યુવાનો અને પરિવારજનોએ ઉત્સાહભેર આનંદ માણ્યો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે