
પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.)ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરે પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિના બે મહત્વના ઠરાવોને કાયમી અસરથી મુલત્વી રાખવાનો આદેશ કર્યો છે. ચીફ ઓફિસરના રિમાર્કસને માન્ય રાખી કમિશ્નરે આ બંને ઠરાવો વહીવટી પ્રક્રિયા અને સરકારી માર્ગદર્શિકાના વિરુદ્ધ હોવાનું જણાવ્યું છે.
પાટણના હાંસાપુર વિસ્તારમાં ઓવરહેડ ટાંકી પાસે આવેલો આર.ઓ. પ્લાન્ટ ગૌચરની જમીન પર આવેલો હોવાનું બહાર આવ્યું હતું. નગરપાલિકાની બેઠકમાં આ પ્લાન્ટને 10 વર્ષ માટે ભાડાપટ્ટે આપવા જાહેરાત કરી ભાવો મંગાવવાનો ઠરાવ બહુમતીથી મંજૂર થયો હતો, પરંતુ નગરસેવક દેવચંદ પટેલે તેના પર વાંધો ઉઠાવ્યો હતો.
ચીફ ઓફિસરે સમીક્ષા દરમિયાન સ્પષ્ટ કર્યું કે સરકારની પૂર્વ મંજૂરી વિના ગૌચરની જમીન પર કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ કરી શકાતી નથી. સરકારી નિયમો અનુસાર ગૌચરની જમીન આવા હેતુ માટે ફાળવી ન શકાય, તેથી કમિશ્નરે આ ઠરાવને કાયમી ધોરણે રદ કર્યો છે.
બીજા કિસ્સામાં, રોડ-રસ્તા અને બાગ-બગીચાના વિકાસ માટે કન્સલ્ટન્સી એજન્સીઓની પસંદગીની સત્તા કારોબારી સમિતિને સોંપવાનો ઠરાવ પણ કમિશ્નરે મુલત્વી રાખ્યો છે. કમિશ્નરે સ્પષ્ટ કર્યું કે મ્યુનિસિપલ એક્ટ મુજબ આવી વહીવટી સત્તા ચીફ ઓફિસર હેઠળ આવે છે અને કારોબારી સમિતિ દ્વારા તે હસ્તક લેવાનો પ્રયાસ કાયદેસર નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ