
પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના વાઘરોલ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની ગ્રામ સમિતિની બેઠક શનિવાર રાત્રે યોજાઈ હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને આવનારી મહાસભાની તૈયારીઓ અંગે ચર્ચા કરવાનો હતો.
બેઠકમાં વાઘરોલ ગ્રામ સમિતિના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. સંગઠન માળખાના વિસ્તરણ અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ અને મીડિયા સેલના હોદ્દેદારો જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, આગામી 26 જાન્યુઆરીએ યોજાનારી મહાસભાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મહાસભામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે કાર્યયોજના ઘડવામાં આવી હતી.
આ બેઠક પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરના આદેશ અને પાટણ જિલ્લા પ્રમુખ જીબાજીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી. બેઠકમાં ગામના યુવાનો અને વડીલો સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ