
પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.)ચાણસ્મા ખાતે સમસ્ત 12 ગામ પાટીદાર સમાજ ઉંઝા-ચાણસ્મા, 12 ગામ યુવા સંગઠન અને લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટના સહયોગથી મહિલાઓ અને તરૂણીઓ માટે HPV સર્વાઈકલ રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ‘ફેમિલી હેલ્થ મિશન’ હેઠળ યોજાયો હતો, જેમાં કેન્સર જેવા જીવલેણ રોગ સામે રક્ષણ આપવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો.
રસીકરણ અભિયાન અંતર્ગત 8 થી 14 વર્ષની દીકરીઓને HPV રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો, જ્યારે 14 થી 45 વર્ષની મહિલાઓને ત્રીજો ડોઝ અપાયો હતો. સમાજની દીકરીઓ અને મહિલાઓને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય આપવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ રહ્યું.
આ પ્રસંગે લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ અને 12 ગામ પાટીદાર યુવા સંગઠનના પદાધિકારીઓ, મેડિકલ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં રસી લેનાર તરૂણીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા રસીકરણ માટે નોંધપાત્ર સહયોગ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ