
જામનગર, 11 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લામાંથી વધુ એક વખત ગાંજાના વેપલાનો પર્દાફાશ થયો છે. મોટીખાવડી ગામમાં ગાંજાની ડિલિવરી કરવા પહોંચેલા મૂળ બિહારના શખ્સને જામનગર એસઓજી પોલીસે પકડી પાડ્યો છે. આરોપીના કબ્જામાંથી રૂપિયા 1,90,000 ની કિંમતના 3 કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
જામનગર જિલ્લામાં યુવાધનને બરબાદીના ખપ્પરમાં હોમતા ગાંજા સહિતના દૂષણને અટકાવવા પોલીસ જહેમતશીલ છે. આ દરમિયાન જામનગર એસઓજી પોલીસને ગાંજા મામલે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે મોટીખાવડી ગામે વોચ ગોઠવી હતી.
આરોપી મંજય ભાગરીત મહતો (રહે.બીહાર) નામનો શખ્સ મોટીખાવડી ગામે આવેલા વિનાયક પેટ્રોલપમ્પની સામે મચ્છી માર્કેટ પાસે ગાંજાના જથ્થાની ડિલિવરી આપવા આવશે તેવી બાતમીના આધારે પોલીસે પાડેલી રેડ દરમિયાન આરોપી મંજય ભાગરીત મહતો પોલીસ ઝપટે ચડ્યો હતો.
આરોપીની તપાસ દરમિયાન તેના કબજામાંથી માદક પદાર્થ ગાંજાનો 3 કિલો 800 ગ્રામનો જથ્થો ઝડપાયો હતો. જેના આધારે પોલીસે રૂા. 1,90,000 નો ગાંજાનો જથ્થો તથા એક મોબાઈલ ફોન, વજન કાંટો સહિત રૂા.1,91,250 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
આરોપી મંજય ભાગરીત મહતો (રહે.ભેડીહારી ગામ, (મોતીહારી), બિહાર) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર મૂળ બિહારનો આરોપી ગાંજાનો જથ્થો લઈને છેક બિહારથી જામનગર તરફ ખેંપ મારવા આવ્યો અને તે ગાંજાનો જથ્થો અન્ય વ્યક્તિને પહોંચાડે કે તરત જ એસઓજી પોલીસે પકડી પાડ્યો હતો.
અને તેના વિરૂધ્ધ મેઘપર (પડાણા) પોલિસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), ર0(બી)(2)(બી), 29 મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
જેની પૂછપરછ માં પોતે ટ્રેન મારફતે બિહારથી વહેલી સવારે જામનગરના રેલવે સ્ટેશન સુધી આવ્યો હોવાનું અને વગર ટિકિટે જનરલ ડબામાં રેલવેમાં મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ એક ઇકો કારમાં જનરલ પેસેન્જર તરીકે બેસીને મોટી ખાવડી તરફ આવ્યો હતો, અને મોટી ખાવડી વિસ્તારમાં રહેતા બે શખ્સો કે જેને સપ્લાય કરવા માટે આવ્યો હોવાથી તે બંનેને ફરારી જાહેર કર્યા છે, અને પોલીસ તે બંનેને શોધી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt