
સુરત, 11 જાન્યુઆરી (હિ.સ.) : પુણામાં રહેતી 50 વર્ષીય બ્રેનડેડ મહિલાના અંગદાનથી એક સાથે છ લોકોના જીવનમાં આશાનો સંચાર થયો છે. મહિલાના બંને હાથ રાજકોટના 20 વર્ષીય યુવકમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય અંગોના દાનથી મુંબઈના દર્દીઓને પણ નવજીવન મળ્યું છે.
રાજકોટના યુવકના બંને હાથ એક અકસ્માતમાં મશીનમાં કપાઈ ગયા હતા. યોગ્ય દાતા મળતા મુંબઈની હોસ્પિટલમાં બંને હાથનું જટિલ ટ્રાન્સપ્લાન્ટ કરાયું, જે સફળ રહ્યું છે. યુવક હાલ સ્થિર હાલતમાં છે અને થોડા અઠવાડિયામાં તેને રજા અપાશે.
મૃતક મહિલાના ફેફસાં મુંબઈના 64 વર્ષીય વૃદ્ધમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે, જ્યારે લિવર 63 વર્ષીય અન્ય વૃદ્ધમાં સફળતાપૂર્વક પ્રતિસ્થાપિત કરાયું છે. ઉપરાંત, બંને આંખોનું દાન ચક્ષુબેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, જેના કારણે વધુ બે વ્યક્તિને દ્રષ્ટિ પ્રાપ્ત થશે.
મહિલાને 23 ડિસેમ્બરે અચાનક ભારે માથાના દુખાવા અને ઊલટી થવા લાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તપાસમાં બ્રેન હેમરેજનું નિદાન થયું હતું. વિવિધ હોસ્પિટલોમાં સારવાર બાદ અંતે તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોનેટ લાઇફની ટીમે પરિવારને અંગદાન અંગે માહિતી આપી, અને પરિવારની સંમતિથી સમગ્ર પ્રક્રિયા આગળ વધારવામાં આવી.
હાથના ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ડોક્ટરોને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. દાતા મહિલા અને પ્રાપ્તકર્તા યુવક વચ્ચે લિંગભેદ, તેમજ ખભા સુધી નસોને થયેલ નુકસાનને કારણે સર્જરી અત્યંત સંવેદનશીલ બની હતી. સમય મર્યાદામાં રક્તસંચાર શરૂ કરવો અનિવાર્ય હોવાથી 12 કલાક સુધી ચાલેલી લાંબી સર્જરી બાદ સફળતા મળી.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અંગદાન દ્વારા એક વ્યક્તિના અંતથી અનેક લોકોના જીવનમાં નવી શરૂઆત શક્ય બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે