
પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કાર્યરત એસ્કોન્ડર સ્ક્વોડે મહત્વની સફળતા હાંસલ કરી છે. ટીમે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા બાઇક ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર રહેલા આરોપીને સુરતમાંથી ઝડપી પાડ્યો છે.
પાટણ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને શોધવા માટે PSI આર.એસ. સોલંકી સહિતની ટીમ સક્રિય હતી. તપાસ દરમિયાન ખાનગી રાહે માહિતી મળી હતી કે વર્ષ 2022ના બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી સુરતના સચિન GIDC વિસ્તારમાં રહે છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમ સુરત પહોંચી અને આરોપી હરસનરામ છત્રારામ સવારામ માજીરાણા (ભીલ)ને ઝડપી પાડ્યો. આરોપી મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના ગરવાયુ ગોળીયુ ગામનો રહેવાસી છે.
પકડાયેલા આરોપીની વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચોરીનો ગુનો નોંધાયેલો હતો અને તેની સામે વોરંટ પણ ઇસ્યુ થયેલું હતું. આરોપીને રાઉન્ડ અપ કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાટણ સિટી બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ