સોમનાથ સ્વાભિમાન પર્વે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ દાદાને વિશેષ મરાઠી પાઘ અર્પણ કરી
સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ પાઘ અર્પણ કરવામાં આવી. આ પાઘ માત્ર એક ધાર્મિક અર્પણ નથી, પરંતુ ભારતીય સ્વાભિમાન, સાંસ્કૃતિક ગૌરવ અને સ્ત્રી શક્તિના ઉત
સોમનાથ સ્વાભિમાન પર્વે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ


સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પાવન અવસરે શ્રી સોમનાથ મહાદેવને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ પાઘ અર્પણ કરવામાં આવી. આ પાઘ માત્ર એક ધાર્મિક અર્પણ નથી, પરંતુ ભારતીય સ્વાભિમાન, સાંસ્કૃતિક ગૌરવ અને સ્ત્રી શક્તિના ઉત્કૃષ્ટ સંકલ્પનું પ્રતિબિંબ છે.

સોમનાથમાં શિવપૂજાની અખંડ પરંપરા જાળવવા માટે ભગીરથ પ્રયાસ કરનાર પુણ્યશ્લોક મહારાણી અહલ્યાબાઈ હોલ્કરને સ્મરણાંજલિ સ્વરૂપે વિશેષ રીતે તૈયાર કરાયેલ મરાઠી પાઘ સોમનાથ મહાદેવને પૂજા કરીને અર્પણ કરવામાં આવી. મહારાણી અહલ્યાબાઈ હોલ્કર, ભારતીય સ્ત્રી શક્તિ, ધૈર્ય અને સામર્થ્યનું શાશ્વત આદર્શ રહી છે—આ ભાવનાને ઉજાગર કરતી આ પાઘ શ્રી સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલ મહિલાઓ દ્વારા નિષ્ઠા અને શ્રદ્ધાથી તૈયાર કરવામાં આવી છે.

આ વિશેષ પાઘમાં 21 પીતાંબર તથા ચાંદીના આભૂષણોનો સુમેળભર્યો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય સનાતન પરંપરામાં પાઘ સન્માન અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. પંજાબની સીખ પાઘડી, મરાઠી અને ગુજરાતી પાઘડી, તેમજ મૈસુરની પેટા પાઘડી—આ તમામ ભારતીય સન્માન અને ઓળખના પ્રતિકો છે. જ્યારે કોઈ વ્યક્તિ સોમનાથ દાદાને પાઘ અર્પણ કરે છે, ત્યારે તે પોતાની ખ્યાતિ, ગૌરવ અને સન્માન દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં અર્પણ કરીને દાદાને પોતાના સન્માનના રક્ષક બનાવે છે—આ પરંપરાનો ગહન ભાવ આ પાઘમાં સમાયેલો છે.

આ પાઘનું મહત્ત્વ માત્ર પૂજા સુધી સીમિત નથી. પૂજામાં અર્પણ થયા બાદ શૃંગાર પૂર્ણ થયા પછી પાઘ ખોલીને તેમાંમાંથી મળતા પીતાંબર અને સાડીઓ ગુજરાતભરના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગગૃહો અને આદિવાસી જિલ્લાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે. પીતાંબરમાંથી ઝબ્બા તૈયાર કરીને પણ વિતરણ કરવામાં આવે છે. આજદિન સુધીમાં 21,000થી વધુ લાભાર્થીઓ સુધી સોમનાથ મહાદેવનો વસ્ત્ર પ્રસાદ પહોંચ્યો છે—જે દરિદ્ર નારાયણની સેવામાં શ્રદ્ધાનો અનોખો દાખલો છે.

આ સાથે “સોમનાથ સ્વાભિમાન પર્વ” અંતર્ગત રજૂ થયેલી કલાત્મક કૃતિ સોમનાથના સ્વાભિમાનની યાત્રાનું સજીવ ચિત્રણ કરે છે—રાષ્ટ્રની સ્વતંત્રતા પછી સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી લઈને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સોમનાથને પુનઃ પરમ વૈભવ પર સ્થાપિત કરવાની યાત્રા સુધી. ગિર પ્રદેશની ગ્રામિણ મહિલાઓ દ્વારા કીલ અને ધાગાથી નિર્મિત આ કૃતિ તેમની કલાત્મક ક્ષમતા, પરિશ્રમ અને આત્મનિર્ભરતાનો ગૌરવસભર પુરાવો છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રધાનમંત્રીશ્રીને અર્પિત આ વિશેષ ભેટ દ્વારા ભારતીય પરંપરા, સ્ત્રી સશક્તિકરણ અને માનવસેવાના ત્રિવેણી સંગમને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande