સોમનાથ સ્વાભિમાન પર્વમાં અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો પ્રચંડ જયઘોષ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
સોમનાથ, 11 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંતાઓ થયેલા હુમલાને એક હજાર વર્ષ અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઇ અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો જયઘોષ કર્ય
નરેન્દ્ર મોદી


સોમનાથ સ્વાભિમાન પર્વ


સોમનાથ, 11 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરબી સમુદ્ર કિનારે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંતાઓ થયેલા હુમલાને એક હજાર વર્ષ અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઇ અજેય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો જયઘોષ કર્યો હતો. તેમણે શૌર્યસભામાં બુલંદ સ્વરે જણાવ્યું છે કે, પાછલા એક હજાર વર્ષ આગામી દશકો સુધી ભારતનું ભવિષ્ય ઘડવાની શીખ આપે છે. સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક કેન્દ્ર નથી, પરંતુ ભારતની અડગ આસ્થા, સ્વાભિમાન અને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતીક છે. સોમનાથનો ઇતિહાસ ભૂલવાનો પ્રયાસ થયો હતો. તેનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો ઇતિહાસ નથી, પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે.

વડાપ્રધાન કહ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા હુમલાથી બોધ મળે છે કે તલવારની ધાર ઉપર કોઈના હૃદય જીતી શકાતા નથી. જો સભ્યતા બીજાને કચડીને આગળ વધવા માંગતી હોય તો તે પોતે જ સમયના કાળખંડમાં ખોવાઈ જાય છે. સર્જનનો માર્ગ લાંબો હોય છે પણ ચિરકાલીન હોય છે એમ કહીને વડાપ્રધાનએ જણાવ્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ વિનાશના સ્મરણ માટે નહીં, પરંતુ હજારો વર્ષની અડગ યાત્રા અને પુનર્નિર્માણની પરંપરાનો ઉત્સવ છે. જેમ સોમનાથ પર વારંવાર આક્રમણો થયા, તેમ ભારત પર પણ વિદેશી આક્રમણકારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા, છતાં ન તો સોમનાથ નષ્ટ થયું અને ન તો ભારત, કારણ કે ભારતની આત્મા અને તેની આસ્થાના કેન્દ્રો અવિનાશી છે.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પોતાના પ્રવાસના દ્વિતીય દિને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન સોમનાથ સમક્ષ વિધિવિધાન પૂર્વક પૂજા-અર્ચના કરી હતી. તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી જીતુભાઇ વાઘાણી સાથે શૌર્ય યાત્રા યોજી હતી. ૧૦૮ અશ્વો અને કેસરી સાફાધારી અસવારોની કૂચ સાથે નીકળેલી શૌર્ય યાત્રા દરમિયાન વડાપ્રધાનશ્રી સહિતના મહાનુભાવોએ ભાવિકોનું અભિવાન ઝીલ્યું હતું.

દેશની અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ મંદિરના રક્ષણ માટે શહીદી વ્હોરનારા વીર હમીરજી અને ભગ્ન મંદિરના પુનરોત્થાન કરાવનારા સરદાર પટેલને પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સોમનાથનો ઈતિહાસ પરાજયનો નહીં પરંતુ વિજય, ધૈર્ય, ત્યાગ અને પુનર્નિર્માણનો ઈતિહાસ છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આટલી સદીઓની અડગ આસ્થા અને સંસ્કૃતિ પર વિશ્વના ઈતિહાસમાં વિરલ ઉદાહરણો જ મળે છે અને આવનારી પેઢીઓએ આ વિરાસતને ગૌરવ સાથે આગળ વધારવી એ આપણું કર્તવ્ય છે.

સોમનાથ મંદિર પર ગઝનવીથી લઈને ઔરંગઝેબ સુધી અનેક આક્રમણકારોએ હુમલા કર્યા, પરંતુ તેઓ સનાતન પરંપરાની મૂળ આત્માને સમજી શક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે ‘સોમનાથ’ નામમાં જ ‘સોમ’ એટલે અમૃતનો ભાવ સમાવાયેલો છે અને અહીં સ્થિત મહાદેવ ચૈતન્ય, કલ્યાણકારી તથા અવિનાશી શક્તિનું પ્રતિક છે.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે સોમનાથમાં વિરાજમાન ભગવાન શિવ ‘મૃત્યુંજય’ છે, જેમણે મૃત્યુને જીત્યું છે અને જે સમગ્ર સૃષ્ટિના સર્જન, પાલન અને લયના આધાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતની આસ્થા એવી છે કે અહીં કણ-કણમાં શિવનું દર્શન થાય છે, તેથી કોઈપણ આક્રમણ આ આધ્યાત્મિક ચેતનાને નષ્ટ કરી શક્યું નથી. સમયચક્ર સાક્ષી છે કે જે તાકાતો સોમનાથને નષ્ટ કરવાની મનોવૃત્તિ સાથે આવી હતી, તે આજે ઇતિહાસના પાનાઓમાં સીમિત રહી ગઈ છે, જ્યારે સોમનાથ મંદિર આજે પણ સમુદ્ર કિનારે ગગનચુંબી ધર્મધ્વજા સાથે અડગ ઊભું છે.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર ભૂતકાળના ગૌરવનો ઉત્સવ નહીં, પરંતુ તીર્થ પરંપરાને ભવિષ્ય માટે જીવંત રાખવાનો અવસર છે.

વડાપ્રધાનએ આઝાદી બાદના સમયગાળાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સોમનાથના પુનર્નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલે લીધેલો સંકલ્પ રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક હતો. તેમણે જણાવ્યું હતું કે ૧૯૫૧માં મંદિરના પુનર્નિર્માણ સમયે અનેક અવરોધો ઊભા કરાયા હતા, છતાં જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજી જેવા મહાનુભાવોએ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

વડાપ્રધાનએ ચેતવણી આપી હતી કે આજે પણ દેશવિરોધી અને વિભાજનકારી તાકાતો નવા સ્વરૂપોમાં સક્રિય છે. તેમણે દેશવાસીઓને એકતા, સતર્કતા અને શક્તિ સાથે આગળ વધવાની અપીલ કરતાં કહ્યું હતું કે પોતાની આસ્થા, મૂળ અને વારસાને મજબૂતીથી જાળવી રાખવાથી જ ભારત આવનારા હજાર વર્ષ માટે પણ સશક્ત બની રહેશે.

વડાપ્રધાનએ આક્રમણકારોની માનસિકતા પર પ્રહાર કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, ૧૦૦૦ વર્ષ પહેલાં અતતાયીઓએ આપણને જીતી લીધા હોવાનો ભ્રમ સેવ્યો હતો, પરંતુ આજે સોમનાથ પર લહેરાતી ધજા ભારતની અજેય શક્તિ અને સામર્થ્યનો પુરાવો આપી રહી છે. આ ધ્વજા સમગ્ર સૃષ્ટિને ભારતની સંકલ્પશક્તિનો સંદેશ આપી રહી છે. સોમનાથ મહાદેવના આશીર્વાદથી ભારત આજે તેના ભવ્ય વારસા અને સ્વાભિમાન સાથે વિશ્વ સમક્ષ અડીખમ ઊભું છે.

શૌર્ય સભાને સંબોધતા વડાપ્રધાનએ ૧૦૦૦ વર્ષ પૂર્વેના ઇતિહાસનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, આપણી આસ્થા અને શ્રદ્ધાના રક્ષણ માટે આપણા પૂર્વજોએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. પ્રભાસ પાટણની આ પવિત્ર ભૂમિનો કણ-કણ પૂર્વજોના શૌર્ય, પરાક્રમ અને વીરતાનો જીવંત સાક્ષી રહ્યો છે. સંસ્કૃતિના ધ્વજધારકો અને શિવભક્તોએ સોમનાથના ગૌરવ માટે આપેલા બલિદાનને કારણે જ આજે આપણી સંસ્કૃતિ અખંડ રહી છે.

વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, ભારત માટે આગામી હજાર વર્ષનું તેમનું વિરાટ સ્વપ્ન તેમણે દેશ સમક્ષ મૂક્યું છે અને દેવથી દેશના વિઝન સાથે આગળ વધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે આજે દેશનું સાંસ્કૃતિક પુનર્જાગરણ કરોડો દેશવાસીઓમાં નવો આત્મવિશ્વાસ જગાવી રહ્યું છે. આજે વિકસિત ભારત અંગે દરેક નાગરિકના મનમાં દૃઢ વિશ્વાસ છે.

૧૪૦ કરોડ ભારતીયો ભવિષ્યના લક્ષ્યોને લઈને સંકલ્પબદ્ધ છે એમ જણાવીને વડાપ્રધાનએ કહ્યું હતું કે, ભારત પોતાના ગૌરવને નવી ઊંચાઈએ લઈ જશે, ગરીબી સામેની લડાઈમાં વિજય પ્રાપ્ત કરશે અને વિકાસની નવી સિદ્ધિઓ હાંસલ કરશે. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય અને ત્યારબાદની યાત્રા માટે દેશ સંપૂર્ણ રીતે તૈયાર છે એમ તેમણે ઉમેર્યું હતું.

સોમનાથ મંદિરનો સાંસ્કૃતિક વિસ્તાર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના અને માધવપુર મેળાની વધતી લોકપ્રિયતાથી ભારતની વિરાસત વધુ મજબૂત બની રહી હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનએ કહ્યું હતું કે, આજનું ભારત 'વિરાસતથી વિકાસ'ની પ્રેરણા લઈને આગળ વધી રહ્યું છે અને સોમનાથમાં 'વિકાસ પણ, વિરાસત પણ'ની ભાવના સતત સાકાર થઈ રહી છે.

વડાપ્રધાનએ ઉમેર્યું હતું કે ગીર સિંહના સંરક્ષણથી આ વિસ્તારનું કુદરતી આકર્ષણ વધ્યું છે અને પ્રભાસ પાટણ ક્ષેત્રમાં વિકાસના નવા આયામો સર્જાઈ રહ્યા છે. કેશોદ એરપોર્ટના વિસ્તરણથી દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સીધા સોમનાથ સુધી પહોંચી શકશે, જ્યારે અમદાવાદ–વેરાવળ વંદે ભારત ટ્રેનના પ્રારંભથી તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓનો સમય બચી રહ્યો છે. ઉપરાંત, યાત્રાધામ સર્કિટના વિકાસથી આધ્યાત્મિક પ્રવાસને નવી ગતિ મળી રહી છે.

અંતમાં વડાપ્રધાનએ સોમનાથ સ્વાભિમાન પર્વને વિરાસત, આધ્યાત્મિકતા અને ગૌરવના સંગમ તરીકે ઓળખાવતા કહ્યું ,આ આયોજનમાં માત્ર ઉત્સવ નથી પરંતુ આત્મગૌરવની અનુભૂતિ છે. મહાદેવના સાનિધ્યમાં આ ભવ્ય અને દિવ્ય આયોજન દ્વારા નવી પેઢીને ભારતીય સંસ્કૃતિના સામર્થ્ય અને શૌર્યના દર્શન થઇ રહ્યા છે. આ તકે વડાપ્રધાનએ ઉપસ્થિત ભાવિકોને 'હર હર મહાદેવ' ના જયઘોષ સાથે આસ્થાના આ મહોત્સવમાં જોડવા આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ સ્વાભિમાન પર્વને રાષ્ટ્રના આત્મસન્માન અને અતૂટ આસ્થાનું પર્વ ગણાવતા જણાવ્યું હતું કે, ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવું સોમનાથ મંદિર આપણી આસ્થા, આત્મસન્માન અને અડગ સંકલ્પનું પ્રતિક તો છે જ, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલું સોમનાથ સ્વાભિમાન પર્વ આસ્થાની નવી ઊંચાઈઓ સર કરશે.

સોમનાથ મંદિરના પુનરોત્થાનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૧૦૦૦ વર્ષ પહેલા દેશની અસ્મિતા પર થયેલા આક્રમણ સામે અડીખમ રહેલા સ્વાભિમાની યોદ્ધાઓના શૌર્યની જ્યોત કરોડો દેશવાસીઓના દિલમાં સ્મરણરૂપે પ્રજવલિત રહે અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ભાવ વધુ મજબૂત કરવાના ગૌરવગાનનો અવસર નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપ્યો છે તે આપણા સૌ માટે ગૌરવરૂપ ઘટના છે.

'જય સોમનાથ'ના બુલંદ નાદ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાનશ્રીને આવકારવા એ ગૌરવની ક્ષણ છે. સોમનાથમાં યોજાયેલી ભવ્ય 'શૌર્ય યાત્રા' અને ૭૨ કલાકના અવિરત 'ઓમકાર મંત્રજાપ'નો નાદ આજે સમગ્ર દેશમાં ગુંજી રહ્યો છે.

સરદાર પટેલના સંકલ્પને દોહરાવતા સંઘવીએ કહ્યું કે, આઝાદી સમયે સરદાર સાહેબે સ્પષ્ટ કર્યું હતું કે ભારત સ્વાભિમાનનો સોદો નહીં કરે, અને આજે વડાપ્રધાનના નેતૃત્વમાં એ જ સંકલ્પ ભારતની નીતિ બની છે. હવે આપણે આક્રાંતાઓનું મહિમામંડન છોડી આપણી સંસ્કૃતિ પર ગૌરવ કરી રહ્યા છીએ. વડાપ્રધાનશ્રીએ અયોધ્યા, કાશી અને મહાકાલ લોક દ્વારા 'વિકાસ' સાથે 'વિરાસત'નો સમન્વય કરી દેશની શ્રદ્ધાને નવી ભવ્યતા આપી છે. આધુનિક ભારતના શિલ્પી તરીકે તેમણે મંદિરોના પુનઃનિર્માણ દ્વારા યુવાનો માટે રોજગારીની નવી તકો પણ સર્જી છે.

આ પ્રસંગે ઉદ્બોધન કરતા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ એ સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાનું સ્વાભિમાન છે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેક દેશવાસીઓનું અભિમાન છે. ગિરનારી સંતો અને સાધુઓના આશિર્વાદથી પહેલીવાર જૂનાગઢના ભવનાથ ક્ષેત્રની બહાર દિગ્મબર સાધુઓની રવાડી નીકળી હતી. વડાપ્રધાનના નેતૃત્વને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે અને તેમના દૃઢ સંકલ્પથી ભારત વિશ્વ ગુરૂ બનવા તરફ જઈ રહ્યું છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત આસપાસના જિલ્લાના સાંસદઓ તથા ધારાસભ્યઓ, અગ્રણીઓ, સાધુ-મહાત્માઓ અને શિવ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande