
- શ્રદ્ધાળુઓની ભક્તિ અને ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો નિર્ણય
ગીર સોમનાથ 11 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.૮ થી ૧૧ દરમિયાન 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્યાતિભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. વડાપ્રધાનએ આજના તેમના વક્તવ્યમાં પણ લોકોની શ્રદ્ધા આસ્થા અને ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટેનો ભાવ વ્યક્ત કર્યો હતો. લોકોની લાગણી અને માગણી ધ્યાનમાં રાખી અને આ પર્વની ઉજવણી તા.૧૫ જાન્યુઆરી સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઐતિહાસિક રીતે ઉજવણી થઈ રહી છે.
આ પર્વ અન્વયે વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ 'શૌર્યયાત્રા'માં એક લાખ કરતા વધુ લોકો સહભાગી થયા હતાં અને ભગવાન શિવની ભક્તિમાં લોકો લીન થયા હતાં. તા.૮ થી ૧૧ જાન્યુઆરી સુધી જે રીતે કાર્યક્રમો યોજાયાં હતાં. એ જ શૃંખલામાં તા.૧૫ જાન્યુઆરી સુધી આ અતૂટ શ્રદ્ધાના ૧૦૦૦ વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેમાં સમગ્ર ભારત દેશમાંથી શ્રદ્ધાળુઓ સહભાગી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્રના સફળ પ્રયત્નોને કારણે આ પર્વ સફળતાથી ચાલ્યું છે.
ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓને અનેકવિધ પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર સાથે રોશનીનો રોમાંચ પણ માણવા મળશે.
આ પર્વ અન્વયે વડાપ્રધાનની ગરીમામય ઉપસ્થિતિમાં ૭૨ કલાકનો અખંડ ઓમકાર નાદ, ૩૦૦૦ ડ્રોનનો મેગા શો અને ૧૦૮ અશ્વોની શૌર્ય યાત્રા તેમજ વિવિધ રાજ્યો માંથી સોમનાથ ખાતે પધારેલા કલાકારોની અનેકવિધ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.
ભારતીય સંસ્કૃતિના વારસા અને વિરાસતને પુનઃસ્થાપિત કરતા આ ધાર્મિક પ્રસંગને દેશભરના વધુમાં વધુ લોકો માણી શકે એ માટે તારીખ ૧૫ જાન્યુઆરી સુધી આ પર્વ લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ