
સોમનાથ, 11 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાનની જાહેર સભા તથા યાત્રાના આયોજનને ધ્યાનમાં રાખી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોડી સાંજે વિવિધ સ્થળોની તૈયારીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન આયોજનની વ્યવસ્થા, માર્ગ વ્યવસ્થાપન અને સુરક્ષા સંબંધી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ હમીરજી સર્કલથી પ્રારંભ કરીને રામ મંત્ર મંદિર, ત્યાંથી સદભાવના ગ્રાઉન્ડ અને ત્યારબાદ સર્કલ સુધીના માર્ગ પર કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન માર્ગ સજાવટ, ટ્રાફિક વ્યવસ્થા, સફાઈ, લાઇટિંગ તેમજ અન્ય આવશ્યક સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
નિરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા તથા કોઈ પણ પ્રકારની અડચણ ન રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને જાહેર સુરક્ષા, આવાગમનની સુવિધા અને જનસહભાગિતાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે તે બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ