


પાટણ, 11 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરમાં રાજપૂત સમાજ દ્વારા 26મો પરિવાર સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, વિવિધ સ્પર્ધાના વિજેતાઓ તેમજ સરકારી સેવામાં નવનિયુક્ત અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિકથી લઈ ઉચ્ચ ડિગ્રી સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. સાથે જ સવારે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ અને જનરલ નોલેજ કસોટીમાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમાજના ભાઈ-બહેનોને સરકારી નોકરીમાં નવી નિમણૂક, પદોત્તિ અને સરકારી સેવાથી નિવૃત્તિ બદલ સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ રણજીતસિંહજી જી. રાઠોડ અને પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ બી. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડાએ વિદ્યાર્થીઓને મહેનત, સ્વપ્નો અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. જ્યારે રણજીતસિંહ રાઠોડે સંવાદ, સંઘર્ષ, સારા પુસ્તકોના વાંચન અને હરીફાઈની ભાવના વિકસાવવાની પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના અનેક અગ્રણીઓ, ભાઈઓ, બહેનો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિક્રમસિંહ સોલંકી, મદારસિંહ ગોહિલ અને રતનસિંહ સોલંકીએ કર્યું હતું, જ્યારે ભોજન, ઇનામ અને મંડપ માટે દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ