
વલસાડ, 11 જાન્યુઆરી (હિ.સ.) : વલસાડ શહેરમાં કલાપ્રેમીઓ માટે આનંદદાયક વાત—કલાયતન તથા શ્રી વત્સલ શિક્ષણ સંગીત આશ્રમના સહયોગથી ત્રિદિવસીય સંગીત અને નૃત્ય મહોત્સવનો ભવ્ય આરંભ થયો છે. વત્સલ આશ્રમ ઓડિટોરિયમ ખાતે આયોજિત આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય કલા અને સંસ્કૃતિનું સંવર્ધન કરવાનો છે.
મહોત્સવના પ્રથમ દિવસે સિતાર પર અનુપમા ભાગવત અને સરોદ પર અભિષેક લાહિરીએ સંવેદનશીલ જુગલબંધી રજૂ કરી. ‘રાગ બિહાગ’થી શરૂઆત કરી, આલાપ–જોડ–ઝાલા પછી તીનતાલમાં ગત રજૂ કરીને રાગની સમૃદ્ધિ પ્રેક્ષકો સુધી પહોંચાડી. વિવિધ ઘરાનાઓમાંથી આવતાં હોવા છતાં બંને કલાકારોના વાદનમાં સુમેળ સ્પષ્ટ જણાયો. તબલામાં અભિષેક મિશ્રાની સંગતીએ પ્રસ્તુતિને વધુ ઊંચાઈ આપી.
કાર્યક્રમની શરૂઆતમાં કલાયતનના પ્રમુખ ડૉ. મનીષ મોદીએ સ્વાગત ભાષણ આપ્યું. કલાકારોનો પરિચય વિરલ ગાંધીએ કરાવ્યો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન તન્વીબેન મોદીએ કર્યું.
બીજા દિવસે પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના આરુષિ મુદ્ગલ અને તેમના વૃંદ દ્વારા ઓડિસી નૃત્યનું મનમોહક પ્રદર્શન થયું. ‘ગણેશ વંદના’થી આરંભ કરી, ગુરુ કેલુચરણ મહાપાત્રાની પરંપરામાં નિર્મિત પલ્લવી તથા યદુકુળની ભાવસભર રચનાઓ રજૂ થઈ. તુલસીદાસજીની રચના ‘રામ હો… કોન જતન’ પરના ભાવાભિનયે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.
દ્વિતીય ચરણમાં ઓડિસી વૃંદ નૃત્ય રજૂ થયું, જેમાં શલાખા રાવ, પ્રેમાનંદ સાહુ, ઉન્નતી ગુનીદાસ અને માહિકા કશ્યપ જોડાયા. સમગ્ર મહોત્સવે વલસાડના કલારસિકોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જન્માવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે