
સુરત, 12 જાન્યુઆરી (હિ.સ.) સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી કાર્યવાહી કરતાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્નકલાકારને બનાવટી ભારતીય ચલણી નોટોના જથ્થા સાથે ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 5.03 લાખની નકલી નોટો કબજે કરી છે. તપાસમાં ખુલ્યું છે કે, આરોપી છેલ્લા એક વર્ષથી હીરાની મજૂરીના બહાને આ ગેરકાયદેસર કારોબારમાં સંડોવાયેલો હતો.
પકડાયેલ આરોપી પરેશ પુનાભાઇ હડીયા મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘાંડલા ગામનો રહેવાસી છે. છેલ્લા દસ વર્ષથી તે પરિવાર સાથે સુરતમાં વસવાટ કરતો હતો અને પુણાગામ વિસ્તારમાં રહેતો હતો. તે વરાછા વિસ્તારમાં આવેલી જાણીતી હીરાની કંપનીમાં છેલ્લા છ વર્ષથી કામ કરતો હતો.
પોલીસ અનુસાર, આરોપી ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવતો હતો. ખાસ કરીને શાકભાજીની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારો પાસે નકલી નોટો ચલાવતો, જેથી ભીડના કારણે કોઈને શંકા ન જાય. આ રીતે તે લાંબા સમય સુધી પોલીસની નજરમાંથી બચતો રહ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા 5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂપિયા 5,03,500ની બનાવટી નોટો ઉપરાંત મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી હોન્ડા સાઈન મોટરસાયકલ નો સમાવેશ થાય છે.
પોલીસ હવે એ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે કે આ નકલી નોટો આરોપી સુધી ક્યાંથી પહોંચતી હતી અને આ નેટવર્કમાં તેની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે. સામાન્ય રત્નકલાકાર તરીકે ઓળખાતો યુવક વધુ કમાણીની લાલચમાં ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી ગયો હોવાની વાત સામે આવતા આ કેસે સૌને ચોંકાવી દીધા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે