
જૂનાગઢ, 13 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ ખાતે આજે સ્વામી વિવેકાનંદજીની 164 મી જન્મજયંતિ એટલે કે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય ડૉ. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. પી. વી. બરસીયા તેમજ NSS વિભાગના પ્રા. ભાવિક ચાવડા દ્વારા આ અવસરે ‘રન ફોર સ્વદેશી’ (સ્વદેશી સંકલ્પ રન)નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કોલેજ પરિવાર અને અતિથિ વિશેષ તરીકે જાણીતા સાયકલિસ્ટ ‘ઇન્ડિયન’ ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ અને કોલેજના આચાર્યએ વિદ્યાર્થીઓને સંબોધતા ‘સ્વદેશી રન’ ના મહત્વ વિશે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “સ્વદેશી રન એ માત્ર શારીરિક તંદુરસ્તી માટેની દોડ નથી, પરંતુ તે રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાનો એક સંકલ્પ છે. સ્વામી વિવેકાનંદજીના સશક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે યુવાનોએ સ્વદેશી જીવનશૈલી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવું અનિવાર્ય છે. જ્યારે આપણે ‘સ્વદેશી’ અપનાવીએ છીએ, ત્યારે આપણે સાચા અર્થમાં રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનીએ છીએ.
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે સમાજમાં ‘ઇન્ડિયન’ તરીકે ઓળખાતા સાયકલિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ વર્ષ ૨૦૧૨થી સતત સાયકલિંગ દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ ફેલાવી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા ‘પ્રદૂષણ મુક્ત ભારત’ નો મેસેજ આપ્યો હતો અને શારીરિક સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણની સુરક્ષા માટે સાયકલના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
આચાર્ય સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના વાતાવરણમાં સંપન્ન થયો હતો. અંતમાં સૌએ પ્રોટોકોલ મુજબ આદરપૂર્વક રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ