
- ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA)નાં 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રકાશિત કૉફી ટેબલ બુક 'ધ એલ્કેમી ઑફ ક્યોર'નું વિમોચન કરાયું
અમદાવાદ,13 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો. PAGEના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA)નાં 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'ધ એલ્કેમી ઑફ ક્યોર' કૉફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સનાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સનું પણ લોકાર્પણ કરાયું હતું.
આ સમારંભમાં IPAના પ્રમુખ અને ઝાયડસના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.શાર્વિલ પટેલે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું, જ્યારે ડૉ.રેડ્ડીના ચેરમેન સતીષ રેડ્ડીએ સ્વાગત પ્રવચન અને લુપિનના એમડી નીલેશ ગુપ્તાએ આભારવિધિ કરી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે PAGE એ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA)ની સભ્ય કંપનીઓ દ્વારા શરૂ કરાયેલ ઉદ્યોગ આધારિત નેશનલ સ્કિલિંગ ઇનિશિયેટિવ છે.આ પહેલ માટે IPAના સભ્યોએ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને ગુણવત્તા ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં રાખીને કુલ 50 મિલિયન અમેરિકન ડૉલરની રકમ ફાળવી છે.
IPAની સભ્ય કંપનીઓના સામૂહિક પ્રયાસ રૂપે શરૂ કરાયેલા PAGEનો હેતુ વૈશ્વિક સ્તરની તાલીમ સંસ્થાઓ સ્થાપવાનો છે, જેમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ, ગુણવત્તા સિસ્ટમ્સ અને ઓપરેશન્સ માટે ઉચ્ચ કુશળ માનવ સંસાધન તૈયાર કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ