ઉત્તરાયણ–2026 માટે એએમસી અને જીએસડીએમએનું સંયુક્ત જાગૃતિ અભિયાન શરૂ
- અમદાવાદમાં ઉત્તરાયણ સુરક્ષા માટે 10 હજાર સ્ટીકરોનું વિતરણ - ફાયર સ્ટેશન, 108 સેવા અને જાહેર સ્થળોએ સુરક્ષા સૂચનાઓવાળા સ્ટીકરો લગાવવામાં આવ્યા અમદાવાદ,13 જાન્યુઆરી (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્
ઉત્તરાયણ–2026 માટે એએમસી અને જીએસડીએમએનું સંયુક્ત જાગૃતિ અભિયાન શરૂ


ઉત્તરાયણ–2026 માટે એએમસી અને જીએસડીએમએનું સંયુક્ત જાગૃતિ અભિયાન શરૂ


- અમદાવાદમાં ઉત્તરાયણ સુરક્ષા માટે 10 હજાર સ્ટીકરોનું વિતરણ

- ફાયર સ્ટેશન, 108 સેવા અને જાહેર સ્થળોએ સુરક્ષા સૂચનાઓવાળા સ્ટીકરો લગાવવામાં આવ્યા

અમદાવાદ,13 જાન્યુઆરી (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) તથા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના સહયોગથી ઉત્તરાયણ–2026 દરમિયાન જાહેર સુરક્ષા જાગૃતિ માટે વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત કુલ 10,000 જાગૃતિ પોસ્ટરો/સ્ટીકરો છપાવી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યા છે. આ સ્ટીકરો અમદાવાદ ટ્રાફિક વિભાગ, અમદાવાદ ફાયર બ્રિગેડ, અમદાવાદ સિવિલ ડિફેન્સ, અમદાવાદ 108 મેડિકલ સર્વિસીસ, અમદાવાદ મેન્ટલ હોસ્પિટલ (નમસ્કાર સર્કલ) તેમજ અન્ય જાહેર સ્થળો અને સરકારી એકમોમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત તમામ ફાયર સ્ટેશનો, 108 વિભાગો, સિવિલ ડિફેન્સ, સરકારી શાળાઓ તથા અન્ય પબ્લિક પ્લેસ પર પણ આ સ્ટીકરો વિતરણ કરવામાં આવ્યા છે.

સ્ટીકરોમાં ઉત્તરાયણ–2026ને સુરક્ષિત રીતે ઉજવવા માટેની મહત્વપૂર્ણ સૂચનાઓ દર્શાવવામાં આવી છે. તેમાં વહેલી સવારે 6 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ઉડાવવા, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા, ગીચ વિસ્તારોમાં પતંગ ન ઉડાવવા,જર્જરિત કે જોખમી છતો પર પંતગ ન ઉડાડવા, ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડવો, પતંગબાજી દરમિયાન પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો, બાળકોની દેખરેખ રાખવા, રસ્તા પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા, પતંગ પકડવાનાં જોખમી પ્રયાસો ન કરવા, તેમજ પક્ષીઓ અને પર્યાવરણની સુરક્ષા જાળવવા અંગેની અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં 112 નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા તથા ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે પશુ સારવાર કેન્દ્ર – 1962 પર સંપર્ક કરવાની સૂચના પણ સ્ટીકરોમાં આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર કરાયેલ સૂચનાઓનું પાલન કરી ઉત્તરાયણનો તહેવાર સુરક્ષિત, જવાબદારીપૂર્ણ અને આનંદમય રીતે ઉજવે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande