
જામનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલા બુગદામાં દુકાનદારો દ્વારા કરવામાં આવેલા ઓટલાના દબાણોને દૂર કરવા માટે જામનગર મહાનગરપાલિકાની દબાણ શાખાએ 32 દુકાનદારોને નોટિસ ફટકારીને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. તંત્રની આ કાર્યવાહીથી વેપારીઓમાં ભારે ચકચાર જાગી છે.
મનપાની દબાણ શાખાના અધિકારીઓએ આજરોજ ચાંદીબજારમાં સ્થળ પર જઈ તપાસ કરી હતી. આ દરમિયાન અમુક દુકાનદારોએ દુકાનની બહાર ગેરકાયદે ઓટલા બનાવીને કાયમી તથા અસ્થાયી દબાણ કરાયું હોવાનું સામે આવ્યું હતું.
જે અંગે અગાઉ તંત્રએ વેપારીઓ પાસેથી બાંધકામ અંગેની મંજુરી સહિતના આધાર-પુરાવાઓ માંગવામાં આવ્યા હતા. જેમાં અમુક દુકાનદારોએ રજુ કરેલા આધાર-પુરાવાઓથી ઓટલાના દબાણો ગેરકાયદે અને અનધિકૃત હોવાનું સામે આવ્યું હતું. જેથી એસ્ટેટ શાખાએ 32 આસામીઓને નોટિસો આપતા ખળભળાટ મચી ગયો છે.
તંત્ર દ્વારા વેપારીઓને આપેલી નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જો નિર્ધારિત સાત દિવસની મુદતમાં દબાણ સ્વૈચ્છાએ દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા કાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન થનારા નુકસાન માટે સંબંધિત દુકાનદારો જ જવાબદાર રહેશે તેવી પણ તાકિદ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ વેપારીઓને જાહેર હિતને ધ્યાનમાં રાખીને સહકાર આપવા અપીલ કરી છે. શહેરના વ્યસ્ત બજાર વિસ્તારમાં દબાણ દૂર થવાથી રસ્તા ખુલ્લા થશે અને લોકોની અવરજવર વધુ સરળ બનશે, તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt