


અંબાજી, 15 જાન્યુઆરી (હિ.સ.) ઉત્તરકાશી સ્થિત આશરે ૧૫૦૦ વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય
પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ ખાતે ૧૬ ફૂટ ઊંચું અને આશરે ૬૦૦ કિલો
વજન ધરાવતું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” સ્થાપિત કરવામાં આવશે. આ સ્થાપના શક્તિ પરંપરાના પુનર્જાગરણનું
પ્રતીક બનશે.આ પવિત્ર કાર્ય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના
માર્ગદર્શન અને સહયોગથી તેમજ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી કરવામાં
આવી રહ્યું છે. સમગ્ર આયોજન ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાથી કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લા
કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના
કરકમલે આગામી ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અખંડ શક્તિ ત્રિશૂલને દર્શન માટે ખુલ્લું
મુકશે. ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી ૨૧ જાન્યુઆરી સુધી બપોરે ૦૩:૦૦ થી
સાંજે ૦૮:૦૦ વાગ્યા સુધી કરી શકશે. દર્શન માટે સ્થળ અમદાવાદ એન્જિનિયર્સ, સી- ૧- બી, ૪૩૧૮, રોડ નં. ૪-યુ, ફેઝ-૪, જીઆઈડીસી, વટવા રહેશે.સ્થાપિત થનાર આ ત્રિશૂલ ઉત્તરકાશીના
વિશ્વનાથ મંદિર નજીક ભાગીરથી નદીના કિનારે સ્થિત માતા આદ્યશક્તિના પવિત્ર અખંડ
શક્તિ ત્રિશૂલની પ્રતિકૃતિ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે.
આ ત્રિશૂલ માત્ર એક
શિલ્પ નથી, પરંતુ
શક્તિ, આસ્થા
અને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક છે. દેવી મહાત્મ્ય મુજબ, જ્યારે અસુરોના અત્યાચારથી ત્રિલોક
વ્યાકુળ બન્યો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવના તેજના સંયોજનથી અઢાર ભુજાવાળી આદ્યશક્તિ માતા
જગદંબાનું પ્રાગટ્ય થયું હતું. ભગવાન શિવ દ્વારા અર્પિત દિવ્ય ત્રિશૂલથી માતાએ
મહિષાસુરનો સંહાર કરી ધર્મ અને સત્યની સ્થાપના કરી હતી.આ જ દિવ્ય ભાવના અને
શક્તિના સંદેશને આધારે અંબાજીમાં આ ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી રહી છે.
અંબાજીનું ત્રિશૂલિયા ઘાટ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે.
આ ઘાટ માતા અંબાજીના દર્શન માટે જતા યાત્રાળુઓના માર્ગ પર આવેલો છે અને અહીં
પહોંચવાનો માર્ગ થોડી ચઢાણવાળો તથા પડકારજનક છે. માન્યતા છે કે આ સ્થળ પર માતાની
વિશેષ કૃપા અને રક્ષણ શક્તિ વ્યાપેલી છે.ત્રિશૂલિયા ઘાટ પર દિવ્ય ત્રિશૂલની
સ્થાપનાથી યાત્રાળુઓમાં આત્મવિશ્વાસ, નિર્ભયતા અને આધ્યાત્મિક શક્તિની ભાવના વિકસે તેવો હેતુ રાખવામાં
આવ્યો છે. આથી અંબાજીનો પવિત્ર યાત્રામાર્ગ વધુ આશીર્વાદમય અને સુરક્ષિત બની
રહેશે.
આ દિવ્ય ત્રિશૂલની ૧૬ ફૂટ ઊંચાઈ, આશરે ૬૦૦ કિલો વજન, ઉત્તરકાશીના ૧૫૦૦ વર્ષ જૂના અખંડ
શક્તિ ત્રિશૂલથી પ્રેરણા અને દેવી મહાત્મ્યના શ્લોકોને આધારરૂપ ભાવના સમાવિષ્ટ છે.
આત્રિશૂલની
સ્થાપના અંબાજીના ત્રિશૂલિયા ઘાટ ખાતે કરાશે. આ ત્રિશૂલની સ્થાપના શક્તિ પરંપરાના
પુનર્જાગરણનું પ્રતીક બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ