
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.)પાટણ નાગરિક સહકારી બેંકમાં 14 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા ગેરરીતિના આક્ષેપો સાથે વિવાદમાં આવી છે. નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશ પટેલે પરિવારજનોને નોકરીમાં ગોઠવવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો અને બેંક ખાતે સૂત્રોચ્ચાર કરી ભરતી પ્રક્રિયા તાત્કાલિક રોકવાની માંગ કરી હતી.
જયેશ પટેલે જણાવ્યું હતું કે સ્ટાફની વાસ્તવિક જરૂરિયાત ન હોવા છતાં ભરતી કરાઈ છે અને બેંક બોર્ડને બદલે ખાનગી સંસ્થાની જેમ વર્તન થઈ રહ્યું છે. તેમણે મેનેજર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ પ્રતીકાત્મક રીતે બેંક બોર્ડ પર પોતાની માલિકીનો બોર્ડ લગાવવાની ચીમકી આપી હતી.
આ આક્ષેપો અંગે બેંકના ચેરમેન મહેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમો અનુસાર અને પારદર્શક રીતે કરવામાં આવી છે. સરકારના અનુબંધ પોર્ટલ પર જાહેરાત આપીને સમગ્ર ગુજરાતમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાંથી કુલ 14 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે રવિનાબેન ઠાકોર સહિત તમામ નિમણૂકો કાયદેસર અને અધિકાર મુજબ જ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ