
ગીર સોમનાથ 15 જાન્યુઆરી (હિ.સ.) ઘૂઘવતા અરબી સમુદ્રના કિનારે આધ્યાત્મિક ઉર્જાસભર સોમનાથ મંદિરના પ્રાંગણમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે.
ભક્તોની આસ્થા અને સંસ્કૃતિના પ્રતીક સમા સોમનાથ મંદિરમાં આ પર્વની ઉજવણી દરમિયાન પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તરાખંડ વગેરેથી શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર સહભાગી બની રહ્યાં છે. જેથી સોમનાથના આંગણે 'વિવિધતામાં એકતા'ના દર્શન થઈ રહ્યાં છે.
તા.૧૧ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગૌરવભરી ઉપસ્થિતિમાં શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ સુધી યોજાયેલી શોર્યયાત્રામાં પણ વિવિધ રાજ્યોના લોકો સહભાગી થયાં હતાં. આ સમગ્ર શોભાયાત્રામાં વિવિધ રાજ્યોના લોકો તો સહભાગી બન્યાં જ હતાં સાથે-સાથે અલગ અલગ રાજ્યમાંથી લાવવામાં આવેલા ફૂલોથી પણ સોમનાથ અને શોભાયાત્રાનો રૂટ મધમધી ઉઠ્યો હતો. સમગ્ર સોમનાથને શોભાયમાન કરવા કોલકત્તા, બેગ્લોર અને મુંબઈના નાસિક ખાતેથી મંગાવવામાં આવેલા વિવિધ જાતના ફૂલોનો ઉપયોગ થયો હતો.
ભજનમંડળી પરિસરને પણ મોગરાની માળાથી સજાવવામાં આવી હતી. આ મોગરાના ફૂલોની મધમધતી સુવાસના કારણે દિવ્ય અને મનમોહક માહોલ સર્જાયો હતો.
આ અંગે ફૂલોનું સંચાલન કરતા સુરતના વિશાલભાઈએ જણાવ્યું હતું કે, કોલકત્તાથી અંદાજિત ૪૫ ટન ગલગોટા, બેંગ્લોરથી સફેદ ફૉલ જિપ્સો અને મુંબઈના નાસિકથી ગુલાબ જેવા વિવિધ પ્રકારના ફૂલોથી શંખ સર્કલ થી હમીરજી સર્કલ સુધીનો રૂટ શણગારવામાં આવ્યો હતો. શૌર્યયાત્રા દરમિયાન વડાપ્રધાનએ જે ખુલ્લી જીપ્સીમાં રહી અને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું, એ જીપ્સીને પણ અમારી ટીમે જ શણગાર કર્યો હતો. એમ વિશાલભાઈએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ફૂલોના તોરણો ભક્તોને ભારતીય પરંપરા અને ઉત્સવની યાદ અપાવે છે. સોમનાથના શણગારમાં વપરાયેલા આ ફૂલો માત્ર શણગારને દર્શાવતા નથી, પરંતુ ભારતની વિવિધ સંસ્કૃતિઓને જોડતી કડીનું પ્રતીક પણ બન્યાં છે. પૂર્વ ભારતના કોલકત્તાથી પશ્ચિમ ભારતના સોમનાથ સુધી ફેલાયેલો આ ફૂલોનો પ્રવાસ દેશની એકતા અને અખંડિતતાનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે.
આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ પ્રથમ જ્યોતિર્લિંગને દૈનિક ફૂલોનો શણગાર કરવામાં આવે છે. સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સહભાગી થવા દૂર-સુદુર થી પધારેલા ભક્તો જ્યારે ફૂલોથી સુશોભિત જ્યોતિર્લિંગ અને ટ્રસ્ટ દ્વારા કરાતા વિવિધ શણગારના દર્શન કરે છે, ત્યારે તેમની આંખોમાં ગૌરવ અને મનમાં શ્રદ્ધાનો ભાવ ઉમટે છે.
આમ, ફૂલોની સજાવટ અને ખૂશ્બો થી દૈદિપ્યમાન સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ ભારતીય સ્વાભિમાન, એકતા અને સંસ્કૃતિની સુગંધ ફેલાવતું પ્રતીક બની અડીખમ ઊભું રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ