જામનગરના ધ્રોલમાં જ્વેલર્સની દીવાલમાં બાકોરું પાડી રૂ.17.58 લાખના દાગીના ચોરી
જામનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં તસ્કરોએ તુલજા ભવાની જ્વેલર્સને નિશાન બનાવી રૂ. 17.58 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ દુકાન ધ્રોલ નગરપાલિકા સામે આવેલી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છ
ધ્રોલમાં જવેલર્સમાં ચોરી


જામનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) :

જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં તસ્કરોએ તુલજા ભવાની જ્વેલર્સને નિશાન બનાવી રૂ. 17.58 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ દુકાન ધ્રોલ નગરપાલિકા સામે આવેલી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

ચોરો દુકાનની પાછળની દિવાલમાં બખોલ પાડીને અંદર પ્રવેશ્યા હતા. દુકાનમાં પ્રવેશ કર્યા બાદ, તેમણે સીસીટીવી કેમેરા પર કપડું ઢાંકી દીધું હતું જેથી તેમની ઓળખ ન થઈ શકે.

દુકાનના માલિક પ્રકાશભાઈ હેમતલાલ ભીંડી (રહે. હડિયાણા ગામ) એ ધ્રોલ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, 14 જાન્યુઆરી, 2026ના રોજ મકરસંક્રાંતિના તહેવારને કારણે દુકાન બંધ હતી. તે જ રાત્રે આશરે 10:45 વાગ્યે, માલિકના પુત્ર ચિરાગભાઈએ મોબાઈલ પર સીસીટીવી ફૂટેજ તપાસતા શંકાસ્પદ હલચલ જોવા મળી હતી.

સીસીટીવી રેકોર્ડિંગમાં અજાણ્યા ઇસમો દિવાલમાં બખોલ પાડી પ્રવેશ કરતા અને કેમેરા ઢાંકતા સ્પષ્ટ દેખાયા હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક જામનગર પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. માલિક અને તેમના પુત્ર દુકાને પહોંચ્યા ત્યારે દુકાનમાં સામાન વેરવિખેર પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં તિજોરી અને શોકેસમાંથી આશરે 3 કિલો ચાંદીના દાગીના અને 15 તોલા સોનાના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું.

ચોરાયેલા દાગીનાની કુલ કિંમત આશરે રૂ. 17,58,000/- આંકવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જામનગર ગ્રામ્ય DYSP, SOG, LCB અને ધ્રોલ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ડોગ સ્કવોડ અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande