જામનગર ખાતે આઈઈડી વિભાગ સમગ્ર શિક્ષા દ્વારા દિવ્યાંગ બાળકો માટે પતંગોત્સવ કાર્યક્રમ યોજાયો
જામનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) : આઈઈડી વિભાગ, સમગ્ર શિક્ષા જામનગર દ્વારા દિવ્યાંગ બાળકો પણ સામાન્ય બાળકોની જેમ સન્માનપૂર્વક શિક્ષણ મેળવી આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકે તે ઉમદા હેતુસર બીઆરસી ભવન, દરેડ–જામનગર ખાતે કાલાવડ, લાલપુર અને જામનગર શાળામાં અભ
દિવ્યાંગ બાળકો માટે પતંગોત્સવ યોજાયો


જામનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) :

આઈઈડી વિભાગ, સમગ્ર શિક્ષા જામનગર દ્વારા દિવ્યાંગ બાળકો પણ સામાન્ય બાળકોની જેમ સન્માનપૂર્વક શિક્ષણ મેળવી આત્મવિશ્વાસ સાથે જીવન જીવી શકે તે ઉમદા હેતુસર બીઆરસી ભવન, દરેડ–જામનગર ખાતે કાલાવડ, લાલપુર અને જામનગર શાળામાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકો માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ સાથે સામાજિક સમાવેશ અને ઉત્સાહવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનોને આપવામાં આવતા વિવિધ શૈક્ષણિક, સામાજિક તથા આર્થિક લાભો અને તેમના અધિકારો સમયસર મળી રહે, તેમજ દિવ્યાંગ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી જામનગર જિલ્લામાં વિશિષ્ટ શિક્ષકો અને સ્પેશિયલ એજ્યુકેટરો સતત કાર્યરત છે. આવા સહયોગી પ્રયાસોના ભાગરૂપે આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પતંગોત્સવ સાથે વાલી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોને પતંગ, દોરી, ચીકી અને શેરડી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાળકો ઉત્સાહપૂર્વક પતંગ ચગાવી આનંદ માણતા જોવા મળ્યા હતા, જે સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા વિશેષ રીતે હાજર રહ્યા હતા. તેમણે દિવ્યાંગ બાળકોને પ્રેમપૂર્વક મળીને પ્રોત્સાહન આપ્યું હતું અને આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ તથા સામાજિક જોડાણ વધે છે તેમ જણાવ્યું હતું. તેમની હાજરીથી બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈઈડી જિલ્લા કો-ઓર્ડિનેટર વિશાલભાઈ કોડીયાતર તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર પ્રજ્ઞાબેન લીંબડ દ્વારા યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી. ઉપરાંત IED તથા IEDSS હેઠળ કાર્યરત સ્પેશિયલ એજ્યુકેટરો અને વિશિષ્ટ શિક્ષકોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતાપૂર્વક કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande