
ગાંધીનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) : ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ ૨૦૧૬માં ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે તા. ૧૬, જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે છે. આમ, ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ એ માત્ર ઉજવણીનો દિવસ નહીં પરંતુ દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી-ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત, દેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પોતાના મજબૂત ઇકોસિસ્ટમ, માર્ગદર્શન અને નાણાકીય સહાય દ્વારા “વિકસિત ભારત@૨૦૪૭”ના સપનાને વેગ આપવામાં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે. ઔદ્યોગિક શક્તિ, દૂરંદેશી નીતિઓ અને અદમ્ય ઉદ્યોગસાહસિક ભાવનાના અનોખા સંયોજનથી સજ્જ ગુજરાતમાં આજે ૧૬ હજાર કરતાં વધુ સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ૨૦૦થી વધુ ઇન્ક્યુબેટર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, ૮૫૦થી વધુ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ તેમજ શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત ૩૫૦થી વધુ પાયાના સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT માન્યતા પ્રાપ્ત આ સ્ટાર્ટઅપ્સ થકી યુવા નવીનકારો ડીપ-ટેકથી લઈને કૃષિ, હેલ્થકેર, ક્લીનટેક અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યા છે.
ગુજરાત ઔદ્યોગિક નીતિ–૨૦૨૦ અંતર્ગત ‘સ્ટાર્ટઅપ્સ/નવિનતા માટેની સહાય યોજના’ દ્વારા રાજ્ય સરકારે ૪૩૦થી વધુ સ્ટાર્ટઅપ્સને અંદાજે રૂ. ૬૫ કરોડની નાણાકીય સહાય આપી છે. જેના થકી ડીપ-ટેક, હેલ્થકેર અને લાઇફ સાયન્સ, કૃષિ અને ફૂડ સિસ્ટમ્સ, ક્લીનટેક, ઇલેક્ટ્રિક મોબિલિટી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, એરોસ્પેસ અને ડિફેન્સ, ફિનટેક, એડ્યુટેક જેવા ઉચ્ચ પ્રભાવ ધરાવતા ક્ષેત્રોમાં નવીનતાને ગતિ મળી રહી છે. આ ઉપરાંત ટેન્ડર ફી, EMD અને પૂર્વ અનુભવ સંબંધિત માપદંડોમાં છૂટ, પાત્ર સ્ટાર્ટઅપ્સ પાસેથી રૂ. ૧૫ લાખ સુધી સીધી ખરીદી અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ મારફતે સમર્પિત વેન્ચર ફંડની સ્થાપના જેવા સુવિધાત્મક પગલાં લેવાયા છે.
ઇકોસિસ્ટમની ક્ષમતાઓને સતત મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારના સ્ટાર્ટઅપ સેલ દ્વારા નોડલ ઇન્ક્યુબેટર્સ માટે નિયમિત રીતે ક્ષમતા વિકાસ વર્કશોપ્સનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ૩૦૦થી વધુ મેન્ટર્સને જોડવામાં પણ આવ્યા છે, જેના માધ્યમથી સ્ટાર્ટઅપ્સને વ્યૂહાત્મક માર્ગદર્શન, ઉદ્યોગ સંબંધિત સમજણ અને ક્ષેત્ર-વિશેષ નિષ્ણાતની સહાય પ્રાપ્ત થાય છે. રાજ્ય સરકારને આ ક્ષેત્રે અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.
સ્ટાર્ટઅપ્સને જિલ્લા સ્તરે પ્રદર્શન અને નેટવર્કિંગની તકો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયમિત રીતે વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય માર્કેટ-એક્સેસ પહેલનું આયોજન કરવામાં આવે છે. જેમાં નેટવર્કિંગ ઇવેન્ટ્સ, GeM વર્કશોપ્સ, ગ્રાન્ડ ચેલેન્જિસ, હેકાથોન્સ તેમજ મહેસાણા, રાજકોટ ખાતે તાજેતરમાં યોજાયેલી પ્રાદેશિક વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી રાષ્ટ્રીય તથા વૈશ્વિક પ્લેટફોર્મ્સમાં ભાગીદારીનો સમાવેશ થાય છે. જે અંતર્ગત રાજ્ય સરકારે મહેસાણા અને રાજકોટ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરેંસ દરમિયાન ૧૦૦થી વધુ પ્રદર્શન સ્ટોલ્સ સંપૂર્ણપણે નિઃશુલ્ક ફાળવવામાં આવ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ–રાજકોટ દરમિયાન ત્રણ સ્ટાર્ટઅપ્સ દ્વારા સંયુક્ત રીતે અંદાજે રૂ. ૪૩ કરોડનું ભંડોળ મેળવવામાં આવ્યું, જે પહેલની વાસ્તવિક અસરને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
રાજ્યમાં અમલી એગ્રીટેક સ્ટાર્ટઅપ NEERXને ફોર્બ્સ ઇન્ડિયા ૩૦ અન્ડર ૩૦-૨૦૨૩ હેઠળ માન્યતા મળી છે. આ ઉપરાંત દિવ્યાંગો માટેની સહાયક ટેકનોલોજી સમાધાનો દ્વારા એક લાખથી વધુ જરૂરિયાતમંદના જીવન પર સકારાત્મક અસર પેદા કરનાર સ્ટાર્ટઅપ Torch-IT રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બની છે. તેવી જ રીતે WeHear Innovations એક હેલ્થ-ટેક સ્ટાર્ટઅપ, કે જે કાનના સ્વાસ્થ્યને અનુકૂળ શ્રવણ અને ઓડિયો સમાધાનોમાં આગવી પહેલ કરી રહ્યું છે અને વૈશ્વિક માન્યતા ધરાવે છે. આમ, ગુજરાત સરકાર નવીનતાને પ્રોત્સાહન આપવા, ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવા અને મજબૂત સર્વ-સમાવેશી તથા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ