આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
ગાંધીનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક
આત્મનિર્ભર હણોલ મહોત્સવ


આત્મનિર્ભર હણોલ મહોત્સવ


આત્મનિર્ભર હણોલ મહોત્સવ


ગાંધીનગર, 15 જાન્યુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની અનિવાર્ય જરૂરિયાત છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું મળે છે એવી માન્યતા સંપૂર્ણપણે ખોટી છે.

રાજ્યપાલએ પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રમાં ૨૦૦ એકર જમીનમાં છેલ્લા નવ વર્ષથી યુરીયા, ડીએપી કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે, અને અન્યો કરતા વધુ ઉત્પાદન મળી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે જમીન-આસમાનનુ અંતર છે. ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન અને ખર્ચમાં ખાસ ફેરફાર થતો નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધે છે અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત છે અને તેમાં બહારથી કોઈપણ સામગ્રી લાવવાની જરૂર પડતી નથી.

પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોની ચર્ચા કરતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જંગલના વૃક્ષોને કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા આપ્યા વિના પણ પૂરતું પોષણ મળે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘન જીવામૃત દ્વારા જમીન વધુ ઉપજાઉ બને છે અને ખેડૂતનો ખર્ચ શૂન્યની નજીક પહોંચી જાય છે.

રાજ્યપાલએ યુનેસ્કોના અહેવાલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ સમયસર ઘટાડવામાં નહીં આવે તો આવનારા સમયમાં જમીન બિનઉપજાઉ બની જશે. હરિત ક્રાંતિના પ્રણેતા ડૉ. એમ. એસ. સ્વામીનાથન પણ રાસાયણિક ખેતી પર અતિનિર્ભર ન રહેવા અંગે ચેતવણી આપી ચૂક્યા છે. તેમણે એક હેક્ટર જમીનમાં માત્ર ૧૩ કિલો નાઈટ્રોજન નાખવાની ભલામણ કરી હતી, જ્યારે આજે યુરીયા અને ડીએપીના અતિશય વપરાશના કારણે જમીન અને પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે તેમજ કેન્સર જેવા રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી ઓર્ગેનિક કાર્બન વધે છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણમાં પણ સરળતા રહે છે અને સ્વાસ્થ્યપ્રતિ જાગૃત લોકોમાં આવા ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે.

પ્રારંભમાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ સૌનું સ્વાગત કરતાં હણોલ તથા આસપાસના તમામ ગામોને પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લેવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂતો અને ઉત્કૃષ્ટ ખેતાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આત્મનિર્ભર હણોલ મહોત્સવના આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ ભીખાભાઈ બારૈયા, બાબુભાઇ પટેલ, મહેન્દ્રભાઈ પાલડીયા, મેયર ભરતભાઈ બારડ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande