
સુરત, 15 જાન્યુઆરી (હિ.સ.)-સુરત શહેરમાં ઉત્તરાયણના દિવસે બે દુઃખદ અકસ્માતોમાં બે આશાસ્પદ યુવાજીવોના મોતથી શોકનો માહોલ છવાયો છે. ભેસ્તાન વિસ્તારમાં ધાબા પરથી પડી જતાં 14 વર્ષીય કિશોરીનું મોત થયું છે, જ્યારે અલથાણ વિસ્તારમાં પતંગની ધારદાર દોરી ગળામાં ફસાતા 23 વર્ષીય યુવક જીવ ગુમાવ્યો છે.
ભેસ્તાન વિસ્તારમાં આવેલી જય રાધે સોસાયટીમાં બુધવારે (14 જાન્યુઆરી) સાંજે હૃદયદ્રાવક ઘટના બની હતી. મંટુ નામની 14 વર્ષીય કિશોરી પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહી હતી. પેચ લડાવવાની મજા વચ્ચે સંતુલન ગુમાવતા તે અચાનક ધાબા પરથી નીચે પટકાઈ ગઈ હતી. ઘટના બનતાની સાથે જ આસપાસના લોકોએ તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ તબીબોએ સારવાર શરૂ કરતાં પહેલાં જ તેને મૃત જાહેર કરી હતી. ભેસ્તાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ અલથાણ વિસ્તારમાં પ્રિન્સ બાથમ (ઉંમર 23) નામનો યુવક સાંજના સમયે પોતાની મોપેડ પર નીકળ્યો હતો. રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક પતંગની તીક્ષ્ણ દોરી તેના ગળામાં આવી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તે નીચે પટકાયો હતો. તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઉતરાયણના પર્વે આવી કરુણ ઘટનાઓથી શહેરમાં અરેરાટી ફેલાઈ છે અને લોકોએ પતંગ ચગાવતી વખતે વધુ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે