
કચ્છ, 15 જાન્યુઆરી (હિ.સ.) : ભારતની પશ્ચિમ દરિયાઈ સરહદ પર સુરક્ષા એજન્સીઓએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. કચ્છના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળ સીમા (IMBL) નજીક પેટ્રોલિંગ કરી રહેલા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ બોટમાં સવાર 9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, કોસ્ટ ગાર્ડના જવાનો જ્યારે દરિયામાં રૂટિન પેટ્રોલિંગ પર હતા, ત્યારે તેમને એક બોટ ભારતીય જળ સીમામાં પ્રવેશતી જણાઈ હતી. સુરક્ષાકર્મીઓએ તુરંત એક્શનમાં આવી બોટને ઘેરી લીધી હતી અને તેમાં સવાર તમામ 9 શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા. હાલ આ બોટને જપ્ત કરીને કિનારે લાવવામાં આવી છે.
ઝડપાયેલા પાકિસ્તાનીઓ માછીમારીના બહાને ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા કે પછી તેમનો ઈરાદો કોઈ અન્ય નાપાક પ્રવૃત્તિનો હતો, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા બોટની તપાસ ઉપરાંત ઝડપાયેલા તમામ લોકોની પુછપરછ શરૂ કરવામાં આવી છે. ચિંતાની વાત એ છે કે બરોબર એક મહિના પહેલા, એટલે કે 13 ડિસેમ્બરે પણ આવી જ રીતે એક પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. ફરી એકવાર આ પ્રકારની ઘટના બનતા દરિયાઈ પટ્ટી પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
ઝડપાયેલા તમામ નવ પાકિસ્તાનીઓને દરિયાકાંઠે લાવ્યા બાદ, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), મરીન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે