
નવસારી, 17 જાન્યુઆરી (હિ.સ.) નવસારી જિલ્લાના ધોળા પીપળા નજીક નેશનલ હાઈવે 48 પર રાત્રિના સમયે એક કાર અકસ્માત થયો હતો. સુરત તરફથી નવસારી જઈ રહેલી કાર અચાનક બેકાબૂ બનતા માર્ગની બાજુમાં આવેલી રેલિંગ તોડી સર્વિસ રોડ પર પહોંચી ગઈ હતી. સદનસીબે, કારમાં બેઠેલા તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર કારના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કારને નોંધપાત્ર નુકસાન થયું હતું, પરંતુ રાત્રિના સમયે સર્વિસ રોડ પર ટ્રાફિક ઓછો હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પ્રાથમિક મદદ પૂરી પાડી હતી. હાલ અકસ્માતના કારણ અંગે તપાસ ચાલી રહી છે અને સંબંધિત વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે