
ભાવનગર 18 જાન્યુઆરી (હિ.સ.) ભાવનગર રેલવે મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર પરાનું ઉદ્ઘાટન તારીખ 18.01.2026 (રવિવાર)ના રોજ મંડળ રેલ મેનેજર દિનેશ વર્માના કરકમળો દ્વારા સંપન્ન થયું. આ અવસરે અપર મંડળ રેલ મેનેજર હિમાઁશુ શર્મા, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગન, વરિષ્ઠ મંડળ ઈજનેર (સમન્વય) મનીષ મલિક સહિત મંડળના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા.
ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે, સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટના નવ-નિર્મિત ભવનમાં રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે રમતો અને મનોરંજનની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઇન્સ્ટિટ્યૂટની વાર્ષિક સભ્યતા ફી માત્ર ₹25/- નક્કી કરવામાં આવી છે. સભ્યતા મેળવનારા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઇન્ડોર રમતો જેમ કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ તેમજ આઉટડોર રમતો જેમ કે વોલીબોલ અને બાસ્કેટબોલનો લાભ લઈ શકશે.
કાર્યક્રમ દરમિયાન મંડળ રેલ પ્રબંધક અને અપર મંડળ રેલ પ્રબંધકે ઉપસ્થિત જનસમૂહને સંબોધતાં કર્મચારીઓના સર્વાંગી વિકાસ, આરોગ્ય અને કલ્યાણ માટે આવી સુવિધાઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ અવસરે સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહમાં ટ્રેડ યુનિયનના પદાધિકારીઓ, મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી શૈલેષ કુમાર પરમાર, મુખ્ય કર્મચારી અને કલ્યાણ નિરીક્ષક દ્વારા કરવામાં આવ્યું.
આ જ દિવસે, તારીખ 18.01.2026 (રવિવાર)ના રોજ મંડળ રેલ પ્રબંધક દ્વારા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ તેમજ મંડળ કચેરી પરિસરમાં નવીન નિર્મિત પાર્કિંગ સ્ટેન્ડનું પણ લોકાર્પણ કરી તેને રેલવે કર્મચારીઓને સમર્પિત કરવામાં આવ્યું. ભાવનગર મંડળ દ્વારા કર્મચારીઓના કલ્યાણ અને ઉત્તમ કાર્ય પર્યાવરણ માટે સતત કરવામાં આવતા પ્રયત્નોની દિશામાં આ એક મહત્વપૂર્ણ પહેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ