નવસારીના લોકપ્રતિનિધિઓ સાથે 'કેચ ધ રેન' અભિયાન અંગે સંવાદ યોજાયો
સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.): સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકસભા મતવિસ્તારના સાંસદ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના સરપંચો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો એક વિશેષ ‘સાંસદ સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો.
Surat


સુરત, 18 જાન્યુઆરી (હિ.સ.): સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકસભા મતવિસ્તારના સાંસદ સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના સરપંચો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો એક વિશેષ ‘સાંસદ સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો.

નવસારીની સિદ્ધિઓ વર્ણવતા ગૌરવ સાથે કેન્દ્રીય મંત્રી સી. આર પાટીલે જણાવ્યું હતું કે, સઘન મતદારયાદી સુધારણા કાર્યક્રમ થકી પારદર્શિતા લાવી ડુપ્લીકેશન દૂર કરાયું છે. 18 વર્ષથી વધુ વયના તમામ યુવાઓની મતદાર યાદીમાં નામ નોંધણી થાય તે માટે મંત્રીએ ખાસ અનુરોધ કર્યો હતો. મંત્રીએ ગૌરવભેર જણાવ્યું કે, આદર્શ ગામની પરિકલ્પના સાકાર કરતા નવસારી દેશનો પ્રથમ ‘ધુમાડા રહિત જિલ્લો’ બન્યો છે અને દીકરીઓના ભવિષ્ય માટેની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નવસારી જિલ્લાએ દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. આ સાથે દેશમાં 12 કરોડ શૌચાલયોના નિર્માણથી સ્વચ્છતાનું સ્તર સુધર્યું છે. WHOના રિપોર્ટ મુજબ, સ્વચ્છતા અને શુદ્ધ પાણીને કારણે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ લાખથી વધુ બાળકોના જીવ બચાવી શકાયા છે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, જળ સંચય અને જનસેવાના પ્રકલ્પોથી નવસારી દેશનું રોલ મોડેલ બન્યું છે. મનરેગા યોજનામાં ધરખમ ફેરફાર કરીને તેને ભ્રષ્ટાચારમુક્ત બનાવવામાં આવી છે. હવે મનરેગા યોજના 'જી રામ જી કી' માં પરિવર્તિત થઈ છે. મનરેગા હવે રોજગારીના સાધન સાથે જળ સંચય માટેનું માધ્યમ બની ગયું છે. યોજનાના ૬૫ ટકા નાણાં હવે માત્ર જળ સંચય અને જળ સંરક્ષણના કામો માટે વાપરવામાં આવશે.

જળશક્તિ મંત્રીએ ઉમેર્યું કે, 'નળ થી જળ' યોજના હેઠળ દેશના કરોડો નાગરિકોને શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. વિશેષ બાબત એ છે કે, પાણીની ગુણવત્તા તપાસવા માટે દેશની ૧૫ લાખ બહેનોને તાલીમ આપીને 'જળ દૂત' તરીકે તૈયાર કરવામાં આવી છે.

વધુમાં મંત્રીએ ગામડાંઓ સ્વચ્છ બને તે માટે સરપંચોને ગામ વચ્ચે 'સ્વચ્છતા સ્પર્ધા' યોજવા પ્રોત્સાહિત કર્યા હતા. વિધવા બહેનોને સહાય, આયુષ્માન કાર્ડ અને સરકારના વિવિધ પ્રકલ્પો છેવાડાના માનવી સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો. વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ કરવો એ સમયની માંગ છે. 'કેચ ધ રેન, વેર ઈટ ફોલ્સ, વ્હેન ઈટ ફોલ્સ'ના સૂત્રને સાર્થક કરવા માટે ગ્રામીણ અને શહેરી સ્તરે જળ સંચયના કામોને વેગ આપવો જરૂરી છે. સાથે જ 'કેચ ધ રેન' અભિયાન અંતર્ગત નવસારી જિલ્લો જળ સંરક્ષણ ક્ષેત્રે મોડેલ બને તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વધુમાં સરપંચો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આહ્વાન કર્યું હતું કે, તેઓ પોતાના વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહ માટે નવા પ્રોજેક્ટ્સમાં લોકભાગીદારી વધારવા અનુરોધ કર્યો હતો. ગામડાંઓ સ્વચ્છ બને તે માટે સરપંચોને ગામ વચ્ચે 'સ્વચ્છતા સ્પર્ધા' યોજવા પ્રોત્સાહિત કર્યા હતા. વિધવા બહેનોને સહાય, આયુષ્માન કાર્ડ અને સરકારના વિવિધ પ્રકલ્પોનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની દ્રઢ ઈચ્છાશક્તિથી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પ્રત્યેક નાગરિકના કલ્યાણ માટે કાર્ય થયું છે. નવસારી લોકસભા વિસ્તારમાં આદર્શ ગ્રામ અને વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે જે શ્રેષ્ઠ કામગીરી થઈ છે, તે માત્ર ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે એક ઉદાહરણરૂપ છે. જ્યારે આપણે આઝાદીના ઇતિહાસ તરફ નજર કરીએ છીએ ત્યારે સમજાય છે કે એક સમયે જે માત્ર સપના સમાન હતું, તે આજે આ સરકારના શાસનમાં સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે અંત્યોદયના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી પહોંચ્યા છીએ. વધુમાં કહ્યું હતું કે, દરેક ઘરમાં નળથી જળ પહોંચાડીને બહેનોને પાણી માટેના સંઘર્ષમાંથી મુક્તિ આપી છે અને ગામેગામ શૌચાલયો બનાવીને ગરિમાપૂર્ણ જીવનની ભેટ આપી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને માંદગીના સમયે આર્થિક ચિંતા ન થાય તે માટે આયુષ્માન કાર્ડ થકી રૂ. 10 લાખ સુધીની મફત સારવારની કવચ પૂરું પાડ્યું છે.

આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણીએ કહ્યું હતું કે, જળ સંચયની વાત કરીએ તો, કેન્દ્રીય મંત્રીના માર્ગદર્શન હેઠળ 'કેચ ધ રેન' અભિયાનમાં આપણે અભૂતપૂર્વ સફળતા મેળવી છે, કેચ ધ રેન અભિયાન અંતર્ગત નવસારીમાં માત્ર એક જ દિવસમાં 1100 સ્ટ્રક્ચર બનાવીને એક સીમાચિહ્નરૂપ કાર્ય કરવામાં આવ્યું છે. વધુમાં ઉમેર્યું હતું કે, આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સુરત શહેરે એકસાથે 17 એવોર્ડ પ્રાપ્ત કરીને દેશભરમાં ડંકો વગાડ્યો છે. આ એવોર્ડ્સ આપણી મહેનત અને સ્વચ્છતા પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે. સરકાર અને જનતા જ્યારે સાથે મળે છે ત્યારે કેવું પરિણામ આવે છે તેનું ઉદાહરણ આપણી સામે છે. જન ભાગીદારીના માધ્યમથી આપણે રેન વોટર હાર્વેસ્ટિંગના 32 લાખ સ્ટ્રક્ચર બનાવવાની અદ્ભુત કામગીરી કરી છે.

હાજર સૌએ કેચ ધ રેન અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં રેન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીની વીડિયો ફિલ્મ નિહાળી હતી. વિવિધ ગામના સરપંચોએ વિકાસગાથા વર્ણવીને સૌને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, પૂર્વ નગર સેવક છોટુભાઈ પાટીલ, કોર્પોરેટરો, મંત્રી, મહામંત્રી, જિલ્લા પં. ના સભ્યો, તેમજ અપેક્ષિત સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande