પોરબંદર જિલ્લામાં ‘વહાલી દીકરી યોજના’ માટે લાભાર્થીઓને તાત્કાલિક અરજી કરવાની અપીલ.
પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.)ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા અને તેમના શિક્ષણ તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે અમલી ''વહાલી દીકરી યોજના'' અંતર્ગત પોરબંદર જિલ્લાના મહત્તમ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અરજી કરવ
પોરબંદર જિલ્લામાં ‘વહાલી દીકરી યોજના’ માટે લાભાર્થીઓને તાત્કાલિક અરજી કરવાની અપીલ.


પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.)ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા અને તેમના શિક્ષણ તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે અમલી 'વહાલી દીકરી યોજના' અંતર્ગત પોરબંદર જિલ્લાના મહત્તમ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અરજી કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ યોજના હેઠળ દીકરીના જન્મથી લઈને તેના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન સુધીના વિવિધ તબક્કે કુલ ₹1,10,000 ની સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં દીકરી જ્યારે ધોરણ-1 માં પ્રવેશ મેળવે ત્યારે ₹4,000, ધોરણ-9 માં પ્રવેશ વખતે ₹6,000 અને જ્યારે દીકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે તેને ₹1,00,000 ની રકમ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે મુખ્ય શરત એ છે કે દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 કે ત્યારબાદ થયેલ હોવો જોઈએ અને તેના માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક ₹2,00,000 થી વધુ ન હોવી જોઈએ.

ખાસ નોંધનીય છે કે, યોજનાની જોગવાઈ મુજબ દીકરીના જન્મના એક વર્ષની વય મર્યાદામાં જ આ યોજના માટેની અરજી કરવાની રહેશે. આ સાથે દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની દીકરીઓ આ સહાય માટે પાત્ર ગણાશે, પરંતુ શરત એ રહેશે કે દીકરીના લગ્ન 18 વર્ષ પહેલા થયેલા ન હોવા જોઈએ.

અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો અંગે વધુ વિગતો આપતા જણાવાયું છે કે, આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી દીકરીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, દીકરીનું આધારકાર્ડ, દીકરીનો જન્મનો દાખલો, માતા-પિતાના આધારકાર્ડ, દીકરી અથવા માતા તેમજ પિતાની બેંક પાસબુકની નકલ, માતા-પિતાની આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, રેશનકાર્ડ તેમજ નિયત નમુના મુજબનું સ્વ-ઘોષણા પત્ર (અનુસૂચિ-2) અને એકરારનામું રજૂ કરવાનું રહેશે.

શહેરી વિસ્તારના લોકોએ જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે, જ્યારે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારના ઉમેદવારોએ 'જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર, રૂમ નં. 4, જિલ્લા સેવા સદન-02, સાંદિપની આશ્રમ રોડ, પોરબંદર' ખાતે અરજી કરવાની રહેશે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ જે તે ગામના પંચાયત ખાતે VCE પાસે ફોર્મ ભરાવવાનું રહેશે. પાત્રતા ધરાવતા વાલીઓએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે સત્વરે અરજી કરી આ યોજનાનો લાભ લેવા અને સરકારના 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનને સાર્થક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande