


પોરબંદર, 18 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિની સુચના તથા ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અને હર્ષ પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા નગરજનોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અનેક લોકઉપયોગી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. આ યોજનાઓના માધ્યમથી ખાસ કરીને શહેર વિસ્તારમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને સ્વરોજગાર, રોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના હેતુસર મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે માર્ગદર્શન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.
તાજેતરમાં એન.યુ.એલ.એમ. (નેશનલ અર્બન લાઇવલિહુડ મિશન) યોજના અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથોની બહેનો માટે ફાઇનાન્શિયલ લિટરસી માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન બહેનોને બેંકો દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી લીડ બેંકના એફ એલ સી કોર્ડીનેટર ઝાહિદભાઈ દ્વારા આપવામાં આવી હતી, જેમાં બચત ખાતું ખોલવાની પ્રક્રિયા, લોન મેળવવાની રીત, વ્યાજદરની સમજ, વીમા યોજનાઓ, પેન્શન યોજનાઓ તેમજ ડિજિટલ બેન્કિંગના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમિનારમાં નાણાકીય જાગૃતિ અંગે સંદેશ આપતા પુસ્તકનું પણ બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું.
એન.યુ.એલ.એમ. એટલે કે નેશનલ અર્બન લાઇવલિહુડ મિશન ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ શહેરોમાં વસતા ગરીબ અને નબળા વર્ગના લોકોના જીવનસ્તર ઉંચું લાવવાનો છે. આ યોજનાના માધ્યમથી નાગરિકોને સ્વસહાય જૂથોની રચના અને મજબૂતીકરણ દ્વારા એકત્રિત કરી મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં આવે છે. સાથે સાથે કુશળતા વિકાસ તાલીમ આપીને સ્વરોજગાર માટે લોન સહાય, બેંકો સાથે સીધું જોડાણ તેમજ ફાઇનાન્શિયલ લિટરસી અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવે છે, જેથી લાભાર્થીઓ આત્મનિર્ભર બની શકે.
ફાઇનાન્શિયલ લિટરસી કેમ્પના માધ્યમથી બહેનોને પોતાની આવક, બચત અને ખર્ચ અંગે યોગ્ય આયોજન કરવાની સમજ આપવામાં આવી, જેથી તેઓ સ્વસહાય જૂથના માધ્યમથી નાના ધંધા, વ્યવસાય અથવા સ્વરોજગાર શરૂ કરી શકે અને પોતાના પરિવારની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવી શકે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયમાં પણ એન.યુ.એલ.એમ. યોજના અંતર્ગત આવા જ વિવિધ તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરી શહેરના નાગરિકો, ખાસ કરીને બહેનોને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો સતત ચાલુ રાખવામાં આવશે, તેવું એન.યુ.એલ.એમ. પ્રોજેક્ટના મેનેજર આરતીબેન ત્રિવેદી એ જણાવ્યું હતું. આ તકે એન.યુ.એલ.એમ. સમાજ સંગઠનના અલ્પાબેન મકવાણા તેમજ મનિષાબેન સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya