
અમરેલી, 18 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી વિધાનસભા વિસ્તારના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમન્વય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિસ્તારમાં ચાલી રહેલા તથા આગામી વિકાસકાર્યોની પ્રગતિ, લોકહિતના પ્રશ્નો અને જનસેવાને વધુ અસરકારક બનાવવા માટેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વિવિધ વિભાગોના અધિકારીઓએ તેમના ક્ષેત્રના કામોની હાલની સ્થિતિ રજૂ કરી હતી અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
બેઠક દરમિયાન અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે તમામ વિકાસકાર્યો સમયબદ્ધ રીતે અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે. સાથે સાથે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે કાર્યપદ્ધતિમાં પારદર્શિતા અને સંવેદનશીલતા રાખવા પર ભાર મુકવામાં આવ્યો. જનતાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે વિભાગો વચ્ચે સંકલન મજબૂત બનાવવાની પણ જરૂરિયાત પર ચર્ચા થઈ.
આ અવસરે ગુજરાત સરકારના ઉર્જામંત્રી અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિક વેકરીયાએ બેઠકમાં હાજરી આપી અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે વિકાસકાર્યો માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર સ્પષ્ટ પરિણામ આપતા હોવા જોઈએ. જનહિતને પ્રાથમિકતા આપીને દરેક વિભાગે જવાબદારીપૂર્વક કામગીરી કરે તે માટે તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai