
પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે શહેરમાં દ્રશ્યમાન સ્વચ્છતા સુનિશ્ચિત કરવા કડક આદેશો જારી કર્યા છે. તમામ ગાર્બેજ પોઈન્ટ્સ કાયમી ધોરણે દૂર કરવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે સઘન કાર્યવાહી કરવા મ્યુનિસિપલ સ્ટાફને સૂચના અપાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2026 માટેની કેન્દ્ર સરકારની ટૂલકિટમાં ‘વિઝિબલ ક્લીનલીનેસ’ને 1500 ગુણ ફાળવાયા હોવાથી રાજ્ય સ્તરની સમીક્ષા બેઠક બાદ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
આગામી ફેબ્રુઆરી-2026થી થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ફિલ્ડ વિઝિટ શરૂ થવાની હોવાથી, પાટણ નગરપાલિકાએ 25 જાન્યુઆરી-2026 સુધીમાં તમામ ગાર્બેજ સ્પોટ દૂર કરી બ્યુટિફિકેશન પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
ચીફ ઓફિસરના આદેશ મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટરે નક્કી કરેલી સમયમર્યાદા સુધીમાં કચરાના પોઈન્ટ્સ નાબૂદ થયા હોવાના ફોટોગ્રાફ્સ અને બાંહેધરી પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. જાહેરમાં કચરો નાખનાર કે સફાઈ કાર્યમાં અવરોધ ઉભો કરનાર સામે દંડ તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ પોલીસ ફરિયાદ થશે.
ગાર્બેજ સ્પોટ પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો હોવાથી સિંગલ યુઝ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે જપ્તી તથા દંડની ઝુંબેશ હાથ ધરાશે. વોર્ડ ઇન્સ્પેક્ટરોને દૈનિક નિરીક્ષણ અને રિપોર્ટિંગની જવાબદારી સોંપવામાં આવી છે, અને કચરા તથા પ્લાસ્ટિક સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી ઝુંબેશ સતત ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ