
વલસાડ, 18 જાન્યુઆરી (હિ.સ.): વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરમાં 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી સગીરાનો વિશ્વાસ જીત્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ઉમરગામ પોલીસ મથકે આરોપી યુવક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, સગીરાના પાડોશમાં રહેતા 18 વર્ષીય યુવકે તેનો મોબાઈલ નંબર મેળવી મિત્રતા શરૂ કરી હતી. બાદમાં લગ્નનું વચન આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી. ફરિયાદ અનુસાર, 1 જુલાઈ 2025થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાની તબિયત બગડતા પરિવારજનોએ તેની તપાસ કરાવી હતી, જેમાંથી સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી, ત્યારબાદ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. ઉમરગામ પોલીસે સગીરાનું નિવેદન લઈ મેડિકલ તપાસ કરાવી છે અને આરોપી સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે