
પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર APMC હોલ ખાતે રવિવારે બાવન ગોળ તેજાનંદ બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ દ્વારા સન્માન અને સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજના ઉત્કર્ષ અને શૈક્ષણિક પ્રોત્સાહનના હેતુથી યોજાયો હતો, જેમાં ટ્રસ્ટના હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર 46 તેજસ્વી તારલાઓ તથા 9 નવનિયુક્ત સરકારી કર્મચારીઓનું મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું. સન્માનિતોમાં શ્રીમાળી કામિની મનોજકુમાર, ડો. વિધી મહેન્દ્રભાઈ શ્રીમાળી અને આયુષ હર્ષદભાઈ શ્રીમાળી સહિતના પ્રતિભાવંતોનો સમાવેશ થયો.
નવનિયુક્ત સરકારી કર્મચારીઓની ઉપસ્થિતિનો હેતુ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે ઉત્સાહિત કરવાનો હતો. ટ્રસ્ટ દ્વારા સમાજના ઉત્થાન માટે શૈક્ષણિક કીટ અને ચોપડાઓના વિતરણ જેવી પ્રવૃત્તિઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સાથે જ બાવન સમાજ ભવનના નિર્માણ માટે આર્થિક સહયોગ આપવા અપીલ કરાઈ હતી.
કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ દાતાઓએ સહયોગ આપ્યો હતો. સન્માન પત્ર, શિલ્ડ, અલ્પાહાર, આમંત્રણ પત્રિકા, પુષ્પગુચ્છ, શોલ, હોલ ભાડું તથા સ્ટેજ-સાઉન્ડ વ્યવસ્થામાં અનેક દાતાઓનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ