
પાટણ, 18 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ શહેરની સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીના 6 સ્વચ્છતા વોર્ડને વિભાજિત કરીને હવે 11 નવા સ્વચ્છતા વોર્ડ રચવામાં આવ્યા છે. આ નિર્ણય ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ લેવામાં આવ્યો છે.
શહેરના વિસ્તાર અને જનસંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી સ્વચ્છતા વોર્ડના પુનર્વિભાજનની જરૂરિયાત હતી. પાટણમાં ચૂંટણી વોર્ડ 11 છે જ્યારે સ્વચ્છતા વોર્ડ માત્ર 6 હોવાથી અસમાનતા હતી, જેને દૂર કરવા આ પગલું લેવામાં આવ્યું છે.
સ્વચ્છતા શાખાની બેઠક બાદ નગરપાલિકાના દસ વોર્ડ ઇન્સ્પેક્ટરોને 11 વોર્ડમાં ફરજ સોંપવામાં આવી છે. વોર્ડ 1થી 11 સુધી વિવિધ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરી સ્વચ્છતા કામગીરી વધુ અસરકારક બનાવવા આયોજન કરાયું છે.
ચીફ ઓફિસરે જણાવ્યું કે વોર્ડ ઇન્સ્પેક્ટરોની દર ત્રણ માસે ફેરબદલી કરવામાં આવશે. સાથે જ શહેરમાં ગંદકી કરતા કોઈ પણ વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવશે, તેવી કડક ચેતવણી આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ