પાટણ–સિદ્ધપુરમાં મતદારના નામ કમી અરજીઓનો વિવાદ
પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ કમી કરવા માટે હજારોની સંખ્યામાં ફોર્મ-7 દ્વારા વાંધા અરજીઓ રજૂ થતાં વિવાદ ઊભો થયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ પ્રક્રિયાને લોકશાહીના મ
પાટણ–સિદ્ધપુરમાં મતદાર નામ કમી અરજીઓનો વિવાદ


પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ અને સિદ્ધપુર વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત નામ કમી કરવા માટે હજારોની સંખ્યામાં ફોર્મ-7 દ્વારા વાંધા અરજીઓ રજૂ થતાં વિવાદ ઊભો થયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ પ્રક્રિયાને લોકશાહીના મતાધિકાર પર પ્રહાર ગણાવી કલેક્ટરને રજૂઆત કરી છે.

માહિતી મુજબ પાટણ વિધાનસભા બેઠક પર કુલ 6,532 અને સિદ્ધપુરમાં 25,000થી વધુ વાંધા અરજીઓ મળી છે, જે બંને બેઠક મળીને 31,000થી વધુ થાય છે. પાટણ પ્રાંત અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું કે તમામ અરજીઓનું ફિલ્ડ વેરિફિકેશન અને સુનાવણી બાદ જ નિર્ણય લેવામાં આવશે.

પાટણની 6,532 અરજીઓમાં શહેરની 4,622, સરસ્વતી તાલુકાની 954 અને પાટણ ગ્રામ્ય વિસ્તારની 956 અરજીઓનો સમાવેશ થાય છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે નામ કમી કરવાના કેસમાં સંબંધિત મતદારને નોટિસ આપી સાંભળવાની તક આપવામાં આવશે.

ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે કે ભાજપ દ્વારા ચોક્કસ સમાજ અને કોંગ્રેસ સમર્થકોના નામ કમી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે આને મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે અને જરૂર પડે તો કોર્ટમાં જવાની ચેતવણી આપી છે.

સ્થાનિક સ્તરે પણ રોષ જોવા મળ્યો છે. રણુજ ગ્રામ પંચાયતના સદસ્ય મહંમદ રફીક મોમીએ અને વદાણીના અઝહરભાઈ માણસિયાએ ખોટી અને મોટા પાયે વાંધા અરજીઓ દાખલ થવાનો આક્ષેપ કર્યો છે. મતદારોની માંગ છે કે વાંધો કરનાર વ્યક્તિને સામસામે લાવીને જવાબ આપવાની તક આપવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande