UPની ATM છેતરપિંડી ગેંગ સુરતમાં ઝડપાઈ, લેડી કોન્સ્ટેબલની ચતુરાઈથી મોટું ઓપરેશન સફળ
સુરત, 20 જાન્યુઆરી (હિ.સ.) સુરતના પાંડેસરા વિસ્તારમાં ATM કાર્ડ બદલીને લોકોના ખાતા ખાલી કરતી એક આંતરરાજ્ય ગેંગનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે મળેલી બાતમીના આધારે ચોંકાવનારી યોજના ઘડી, જેમાં મહિલા કોન્સ્ટેબલે ડોક્ટરનો વેશ ધારણ કરી આરોપીઓના ઠેકાણે પ્ર
Surat


સુરત, 20 જાન્યુઆરી (હિ.સ.) સુરતના પાંડેસરા વિસ્તારમાં ATM કાર્ડ બદલીને લોકોના ખાતા ખાલી કરતી એક આંતરરાજ્ય ગેંગનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે મળેલી બાતમીના આધારે ચોંકાવનારી યોજના ઘડી, જેમાં મહિલા કોન્સ્ટેબલે ડોક્ટરનો વેશ ધારણ કરી આરોપીઓના ઠેકાણે પ્રવેશ કર્યો. અંદર પાંચેય શખ્સો હાજર હોવાનું ખાતરી થતાં જ સંકેત આપતા પોલીસ ટીમે તરત ઘેરો ઘાલી તમામને ઝડપી લીધા.

આ ગેંગ ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારોના ATM સેન્ટરો પર નજર રાખતી હતી. પૈસા ઉપાડવામાં મુશ્કેલી અનુભવનારા શ્રમિકોને મદદ કરવાનો નાટક કરીને તેઓ પિન નંબર જાણી લેતા અને અસલી ATM કાર્ડ બદલી નકલી કાર્ડ આપી દેતા. થોડા જ સમયમાં ખાતામાંથી આખી રકમ ઉપાડી લેવામાં આવતી, જેના કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી અનેક લોકો છેતરાયા હતા.

ધરપકડ દરમિયાન પોલીસે 150થી વધુ વિવિધ બેંકોના ATM કાર્ડ, રૂ. 57 હજાર રોકડ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત કર્યા. આ કાર્યવાહીને કારણે પાંડેસરા, સચિન અને ભેસ્તાન પોલીસ મથકોમાં નોંધાયેલા પાંચ ગંભીર ગુનાઓનો ભેદ એકસાથે ઉકેલાયો છે અને કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

પકડાયેલી ટોળકીનું નેતૃત્વ ઉત્તર પ્રદેશના રામપૂજન ઉર્ફે સૌરભ સરોજ કરતો હોવાનું સામે આવ્યું છે, જેના સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની સાથે અનિલ, વિશાલ, રાહુલ અને વિકાસ—બધા મૂળ ઉત્તર પ્રદેશના વતની—સુરતમાં રહીને આ ગુનાહિત નેટવર્ક ચલાવતા હતા અને વતન ભાગવાની તૈયારીમાં હતા, પરંતુ પોલીસની સમયસૂચકતા અને મહિલા કોન્સ્ટેબલની હિંમતથી આખું નેટવર્ક ઝડપાઈ ગયું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande