
સુરત, 20 જાન્યુઆરી (હિ.સ.): શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતી યુવતી તેમના વિસ્તારમાં આવેલ એક હિતાચી એટીએમ માં પૈસા ઉપાડવા માટે ગઈ હતી. આ સમયે બે યુવકોએ તેમને મદદ કરવાના બહાને વાતોમાં ભોળવી તેમનું બેંક ઓફ બરોડા નું એટીએમ કાર્ડ બદલી નાખી તેમની નજર ચૂકવી બીજું એટીએમ કાર્ડ પધરાવી દીધું હતું અને તેમની પાસેથી પીન નંબર જાણી લઈ તેમની ગેરહાજરીમાં રૂપિયા 10,000 ઉપાડી તેમની સાથે છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ભેસ્તાન વિસ્તારમાં આવેલ ભીંડી બજાર મારુતિ નગરમાં રહેતી 21 વર્ષીય નેહા મનોહરભાઈ પાટીલ ગત તારીખ 9/1/2026 ના રોજ રાત્રે આઠ વાગ્યાના અરસામાં વિસ્તારમાં જ આવેલ ચંડાલ ચોકડી પાસે રાજલક્ષ્મી મેડિકલ ની બાજુમાં હિટાચી એટીએમ માં પૈસા ઉપાડવા માટે ગઈ હતી. આ સમયે બે અજાણ્યા ઇસમો તેમની પાસે આવ્યા હતા અને તેઓએ એટીએમ કાર્ડથી પૈસા ઉપાડવામાં મદદ કરવાને બહાને તેમની પાસેથી બેંક ઓફ બરોડા નું એટીએમ કાર્ડ મેળવી લીધું હતું. ત્યારબાદ તેમનો પીન નંબર જાણી તેમને વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. જોકે બાદમાં પૈસા ન ઉપડતા હોવાનું કહીને તેમણે નેહા ને બીજું એટીએમ કાર્ડ પકડાવી દઈ ત્યાંથી રવાના કરી દીધી હતી. જોકે બાદમાં આ બંને ઈસમોએ તેમના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા 10,000 ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. જેથી બાદમાં નેહાને આ બાબતે જાણ થતા તેમણે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે