
સુરત, 20 જાન્યુઆરી (હિ.સ.): શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આધેડને ત્રણ ઠગ બાજ ઈસમો ભેટી ગયા હતા. તેઓ આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ માં પૈસા ઉપાડવા માટે ગયા હતા. ત્યારે ત્રણ અજાણ્યા ઈસમો તેમને મદદ કરવા અને બહાને તેમનું એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને બાદમાં તેમની નજર ચૂકવી તેમના ખાતામાંથી રૂપિયા 25000 ટ્રાન્સફર કરી લીધા હતા. જેથી બાદમાં આધેડે બેંકનું સ્ટેટમેન્ટ મેળવી તેના આધારે ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે આવેલ બાપુનગર સોસાયટીમાં રહેતા સુરેશ પન્નાલાલ ગૌતમ ખાનગી કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 9/1/2026 ના રોજ સાંજે સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ પાંડેસરા વડોદ ગામ ખાતે કમલા ચોક પાસે આવેલ આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ માં પૈસા ઉપાડવા માટે ગયા હતા. આ સમયે બેંકની બહાર ઉભેલા આશરે 25 થી 30 વર્ષના ત્રણ અજાણ્યા ઈસમોએ તેમને પૈસા ઉપાડવા માટે મદદ કરવાનું કહીને તેમની પાસે આવ્યા હતા અને બેંક ઓફ બરોડા નું એટીએમ કાર્ડ લઈ તેમનો એટીએમ પીન નંબર જાણી લીધો હતો અને બાદમાં તેમને વાતોમાં ભોળવી તેમનું કાર્ડ બદલી નાખી બીજું બેંક ઓફ બરોડા નું કાર્ડ પકડાવી દીધું હતું. ત્યારબાદ તેમના ખાતામાંથી પૈસા ન ઉપડતાં કહીને તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જોકે બાદમાં આ ત્રણેય ભેજા બાદ ઈસમોએ સુરેશભાઈ ના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા 25000 ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી કરી હતી.
સુરેશભાઈએ બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવી તપાસ કરતા આ ત્રણેય ઈસમો જ તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું ફલિત થયું હતું. જેથી તેમના આધારે ગતરોજ તેઓએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે